– ભારતમાં એક દિવસમાં કોરોનાથી 983નાં મોત, મૃત્યુઆંક 54,895
ભારતમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના નવા કેસમાં ૬૯,૦૦૦નો વધારો થતાં કુલ કેસ ૨૯ લાખની નજીક પહોંચી ગયા છે જ્યારે કોરોનાનો રિકવરી રેટ ૭૪.૧૪ ટકા થયો છે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯૦,૮૧ કેસ નોંધાયા હતા જ્યારે ૯૮૩નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાના કુલ કેસ ૨૮,૯૮,૮૧૩ થયા છે અને કુલ મૃત્યુઆંક ૫૪૮૯૫ થયો છે. દેશમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના ૬૧,૧૪૧ દર્દી સાજા થયા છે અને અત્યાર સુધીમાં કુલ ૨૧,૪૯,૩૯૧ દર્દીઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાનો મૃત્યુદર વધુ ઘટીને ૧.૯૦ ટકા થયો છે. દેશમાં હાલ કોરોના વાઈરસના એક્ટિવ કેસ ૬,૮૬,૩૯૫ છે, જે કુલ કેસના ૨૪.૨૦ ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના અહેવાલ મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની તપાસ માટે કુલ ૩.૨૬ કરોડ લોકોના ટેસ્ટ કરાયા છે અને બુધવારે એક જ દિવસમાં ૯.૧૮ લાખ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાની તપાસ માટેના ટેસ્ટની સંખ્યા સતત વધી રહી છે છતાં પોઝિટિવિટી રેટમાં ઘટાડો આવી રહ્યો છે. દેશમાં શરૂઆતમાં કેટલાક રાજ્યોમાં કોરોનાના ટેસ્ટમાં વધારાની સાથે પોઝિટિવિટી રેટ વધ્યો હતો, પરંતુ આઈસોલેશન, અસરકારક ટ્રેકિંગ અને સમયસર ક્લિનિકલ મેનેજમેન્ટને પગલે પોઝિટિવિટી રેટમાં ઘટાડો આવી રહ્યો છે.
ભારતમાં સૌપ્રથમ વખત બુધવારે એક જ દિવસમાં કોરોનાના ૯ લાખથી વધુ ટેસ્ટ થયા હતા. હવે સરકારનો આશય દૈનિક ૧૦ લાખ ટેસ્ટ સુધી પહોંચવાનો છે. દેશમાં કોરોનાના નિદાન માટે લેબોરેટરીનું નેટવર્ક વિસ્તારવાની સાથે સરળ ટેસ્ટિંગ માટે અસરકારક પગલાં લેવાથી ટેસ્ટિંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. દેશમાં લેબોરેટરીના રાષ્ટ્રીય નેટવર્કમાં સ્થિરતાથી વધારો થઈ રહ્યો છે. દેશમાં હાલ ૯૭૭ સરકારી લેબ અને ૫૧૭ ખાનગી લેબ સાથે ૧,૪૯૪ લેબનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.
દરમિયાન વિશ્વમાં કોરોનાની સૌપ્રથમ રસી શોધવાનો દાવો કરનાર રશિયાએ કોવિડ-૧૯ સ્પુટનિક વી રસીના વ્યાપક ઉત્પાદન માટે ભારત સાથે ભાગીદારી કરવા તરફ નજર દોડાવી છે તેમ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)ના સીઈઓ કિરિલ ડીમિત્રિવે ગુરુવારે જણાવ્યું હતું. રશિયન પ્રમુખ પુતિને કોવિડ-૧૯ની વિશ્વની સૌપ્રથમ રસી રશિયાએ બનાવી હોવાની જાહેરાત કરી હતી અને દાવો કર્યો હતો કે આ રસી કોરોના સામે ‘સ્થિર ઈમ્યુનિટી’ બનાવે છે અને અસરકારક રીતે કામ કરે છે. રશિયાની ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ઓફ એપીડેમિઓલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ આરડીઆઈએફ સાથે સ્પુટનિક-વી રસી વિકસાવી છે.
સીરો સર્વેમાં દિલ્હીમાં ૨૯ ટકા લોકોમાં એન્ટીબોડી મળી
નવી દિલ્હીમાં તાજેતરમાં હાથ ધરાયેલા સીરો-સરવેમાં ૨૯.૧ ટકા લોકોમાં કોરોના વાઈરસના ચેપ સામે એન્ટીબોડી મળી હોવાનું જણાયું છે તેમ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ૧લીથી ૭મી ઑગસ્ટ વચ્ચે ૧૧ જિલ્લામાં ૧૫,૦૦૦થી વધુ સેમ્પલ્સ લેવાયા હતા અને ૧લી સપ્ટેમ્બરથી નવો સીરો સરવે હાથ ધરવામાં આવશે. અગાઉના સરવેમાં જણાયું હતું કે, ૨૨ ટકા લોકોમાં એન્ટીબોડીસ વિકસી હતી. હવે ઑગસ્ટમાં હાથ ધરવામાં આવેલા સરવેમાં ૨૯.૧ ટકામાં એન્ટીબોડી વિકસી હોવાનું જણાયું હતું. દિલ્હીમાં કોવિડ-૧૯ની સ્થિતિના વ્યાપક મૂલ્યાંકન માટે અને તેના સંશોધનોના આધારે આગળની વ્યૂહરચના ઘડી કાઢવા માટે ઑગસ્ટના પહેલા સપ્તાહમાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.