દેશમાં એક જ દિવસે પાંચ રાજ્યોમાં ભૂકંપ : કોઇ જાનહાનિ નહીં

મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, મિઝોરમ, આસામ, ઉ.પ્રદેશમાં ભૂકંપ : મિઝોરમમાં છેલ્લા પાંચ સપ્તાહમાં 23મો ભૂકંપ

આસામમાં છેલ્લા 9 દિવસમાં ત્રીજો ભૂકંપ

 

આજે એક જ દિવસમાં દેશના પાંચ અલગ અલગ રાજ્યોમાં ભૂકંપ આવ્યો હતો. મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, મિઝોરમ, આાસામ અને ઉત્તર પ્રદેશમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. મિઝોરમમાં આજે ૩.૮ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છેલ્લા પાંચ સપ્તાહમાં મિઝોરમમાં ૨૩મી વખત ભૂકંપ આવ્યો છે. આજનો ભૂકંપ મ્યાનમાર સરહદે આવેલા મિઝોરમના ચામ્ફાઇ જિલ્લામાં આવ્યો હતો.

સવારે ૧૧.૧૬ વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ચામ્ફાઇથી ૨૯ કિમી દક્ષિણપૂર્વમાં હતું. ચામ્ફાઇના ડેપ્યુટી કમિશનર મારિયા સી ટી ઝુઆલીના જણાવ્યા અનુસાર ભૂકંપ અને ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે.

મહારાષ્ટ્રના પાલઘરમાં પણ આજે ૩.૧ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. મહારાષ્ટ્રના પાલઘરમાં મોડી રાતે ૧૨.૨૬ વાગ્યે ભૂકંપ આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના કટરા, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં પણ સવારે ૫.૧૧ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા પણ ૩ની આસપાસ હતી. આ અગાઉ તિબેટ  અને નેપાળના અનેક વિસ્તારોમાં બુધવાર રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તિબેટના ઝિયાંગ ક્ષેત્રમાં ૬.૨ની તીવ્રતાનો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો.

બીજી તરફ ઉત્તર પ્રદેશના બાગપતમાં સવારે ૬ વાગ્યે ૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આસામના કરબી અંગલોગ જિલ્લામાં ૩.૫ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આસામમાં છેલ્લા નવ દિવસમાં આ ત્રીજો ભૂકંપ છે. આ ભૂંકપને કારણે જાનમાલના કોઇ નુકસાનના અહેવાલ મળ્યા નથી.

આસામમાં આજે આવેલા ભૂકંપનું કેન્દ્ર મધ્ય આસામમાં કરબી અંગલોેગમાં તેઝપુરથી ૫૮ કિમી દક્ષિણપૂર્વમાં હતું. સવારે ૧૧.૦૮ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૨૫ કિમી નીચે હતું. આ અગાઉ ૧૬ જુલાઇના રોજ આસામમાં ૪.૧ અને ૨.૬ તીવ્રતાના ભૂકંપ આવ્યા હતાં.




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.