દેશના અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર, દેશમાં લૉકડાઉનના પગલે 2.63 કરોડ લોકો બેકાર થયા

 કોરોના પગલે દેશમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવું પડ્યું એના કારણે બે કરોડ 63 લાખ લોકોએ રોજગારી ગુમાવી હતી. એમાંના એક કરોડ 77 લાખ લોકોએ આ વર્ષના એપ્રિલમાં અને બાકીના 39 લાખ લોકોએ જૂન માસમાં નોકરીઓ ગુમાવી હતી. CMIE (સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી)ના એક સર્વેમાં આ માહિતી આપવામાં આવી હતી.

CMIEના રિપોર્ટમાં જણાવાયા મુજબ આ વર્ષના એપ્રિલમાં એક કરોડ 77 લાખ લોકો બેકાર થયા હતા અને ત્યારબાદ જૂનમાં વધુ 39 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી. જુલાઇમાં ફરી એકવાર પચાસ લાખ લોકો બેકાર થયા હતા. CMIEએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં ફરજનિષ્ઠ લોકો નોકરી ગુમાવતા નથી પરંતુ એેકવાર નોકરી ગુમાવે તો તરત પછી સારી નોકરી મળતી નથી. એમાંય આટલી મોટી સંખ્યામાં લોકો રોજગારી ગુમાવે એ દેશના અર્થતંત્ર માટે ચિંતાજનક બાબત ગણાય.

CMIEએ જણાવ્યા મુજબ 2019-20માં આમ પણ નોકરીઓ હોવી જોઇએ એના કરતાં એક કરોડ 90 લાખ જેટલી નોકરીઓ ઓછી હતી એટલે કે એટલા લોકો બેકાર હતા. છેલ્લા નાણાંકીય વર્ષમાં નોકરિયાતોની સંખ્યા સરેરાશ કરતાં 22 ટકા ઓછી હતી. જો કે ત્યારબાદ પરિસ્થિતિ થોડી સુધરતી ચાલી હતી અને આ વર્ષના જુલાઇમાં  નોકરીની સંખ્યા વધીને 32 કરોડ 56 લાખની થઇ હતી જે આગલા વર્ષના જુલાઇમાં 31 કરોડ 76 લાખ હતી. આમ ગયા વર્ષની સરખામણીમાં નોકરીઓમાં અઢી ટકાનો વધારો નોંધાયો હતો.

CMIEના રિપોર્ટ મુજબ એપ્રિલમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર થયા બાદ નાના વેપારીઓ, ફેરીવાળા અને રોજમદાર મજૂરોને ભારે નુકસાન થયું હતું જેની કળ હજુ સુધી વળી નથી. આ ક્ષેત્રમાં 12 કરોડ 15 લાખ લોકો વ્યસ્ત હતા. તેમાંના નવ કરોડ 12 લાખ લોકોને અત્યંત ભારે નુકસાન થયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.