દેશની બીજી સ્વદેશી કોરોના વેક્સિન ZyCoV-Dના મનુષ્ય પરના પરીક્ષણનો આરંભ

જો બધું બરાબર ચાલ્યું તો 15મી ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી કોરોનાની સ્વદેશી વેક્સિન લોન્ચ કરશે

 

ભારતમાં હાલ કોરોના વાયરસ માટેની વેક્સિનને લઈ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને ભારત સરકારનું માનીએ તો આગામી મહીનાના મધ્યગાળા સુધીમાં કોવિડ વેક્સિન આવી જશે. આ સાથે જ દેશમાં કોરોના મહામારીના અંતની શરૂઆત થશે. ત્યારે આ બધા વચ્ચે દેશ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતની પહેલી કોરોના વેક્સિન કોવાક્સિન (Covaxin) બાદ હવે દેશની બીજી કોરોના વેક્સિનના માનવ પરીક્ષણની શરૂઆત થઈ ગઈ છે.

ભારતીય દવા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadilla)એ બુધવારે કરેલી જાહેરાત પ્રમાણે તેણે એક સંભવિત કોરોના વેક્સિન માટે માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. આ બધા વચ્ચે કોરોના વાયરસનું સંક્રમણ દેશના ત્રીજા સૌથી પ્રભાવિત દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ઝાયડસ કેડિલાના કહેવા પ્રમાણે ZYCoV-D, પ્લાઝમા ડીએનએ વેક્સિન સુરક્ષિત માનવામાં આવી છે. અગાઉ કોરોના વેક્સિનના ક્લીનિકલ ટ્રાયલમાં પ્રતિકારક શક્તિ અને ઈમ્યુનિટી ટેસ્ટના સારા પરિણામો સામે આવ્યા છે.

ઝાયડસ કેડિલા પોતાની કોરોના વેક્સિનના માનવ પરીક્ષણમાં 1,000થી પણ વધારે લોકોને સામેલ કરશે. આ માટે ભારતમાં અનેક ક્લીનિકલ રિસર્ચ સેન્ટર પણ સ્થાપવામાં આવ્યા છે. અગાઉ બે જુલાઈના રોજ ભારત બાયોટેકની ‘કોવાક્સિન’ (COVAXIN) બાદ હૈદરાબાદ ખાતેની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલા હેલ્થકેર લિ. પણ કોવિડ-19 વેક્સિન બનાવવાની વાત કરી રહી છે. ત્યાર બાદ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાએ ઝાયડસ કેડિલાને આ વેક્સિનના માનવ પરીક્ષણની મંજૂરી પણ આપી દીધી છે. આ સાથે જ માનવ પરીક્ષણ માટે મંજૂરી મેળવનારી ઝાયડસ કેડિલા દેશની બીજા નંબરની કંપની બની ગઈ છે. હજુ તાજેતરમાં જ હૈદરાબાદની ભારત બાયોટેકને પણ આવા જ ટ્રાયલની મંજૂરી મળી હતી.

15મીએ લોન્ચ થશે દેશની પહેલી કોરોના વેક્સિન

જો બધું બરાબર ચાલ્યું તો 15મી ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી કોરોનાની સ્વદેશી વેક્સિન લોન્ચ કરી શકે છે. આઈસીએમઆર અને ભારત બાયોટેકની ભાગીદારીથી તૈયાર થઈ રહેલી આ વેક્સિનના પ્રાણીઓ પરના પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યા છે અને તેની હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. આ વેક્સિન બને તેટલી ઝડપથી લોન્ચ કરી શકાય તે માટે આઈસીએમઆર એ ટ્રાયલ માટે પસંદ કરવામાં આવેલી તમામ સંસ્થાઓને નિશ્ચિત સીમાની અંદર તેનું પાલન કરવા સખત નિર્દેશ આપ્યો છે. જો આગામી 15 ઓગષ્ટના રોજ આ વેક્સિન લોન્ચ થશે તો તે વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન બનશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.