– ભારતમાં છેલ્લા આઠ દિવસમાં કોરોનાના કેસમાં 1 લાખનો વધારો થયો
– 18 દિવસમાં કોરોનાના કેસ બમણા થયા
ભારતમાં કોરોનાના કુલ કેસ ૪.૧૨ લાખને પાર, મૃત્યુઆંક ૧૩,૫૦૦૦થી વધુ
– કોરોનાના નવા કેસમાં ઉછાળો ચિંતાજનક, બિહાર-ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પ્રસાર મુશ્કેલી વધારશે ઃ હાર્વર્ડ ઈન્સ્ટિટયુટના ડિરેક્ટર આશિષ
ભારતમાં કોરોના વાઈરસની મહામારી બેકાબૂ બની રહી છે. છેલ્લા આઠ જ દિવસમાં કોરોનાના ૧ લાખ દર્દીનો ઉમેરો થયો છે. રવિવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાના નવા ૧૮,૮૪૦ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૪૦૪નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪,૧૨,૬૯૦ થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક ૧૩,૫૦૪ થયો હતો. જોકે, અત્યાર સુધીમાં કોરોનાના ૨,૩૪,૮૭૫ દર્દીઓ સાજા થયા છે.
દેશમાં કોરોનાનો રીકવરી રેટ વધીને ૫૬.૯૦ ટકા થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં માત્ર આઠ દિવસમાં કોરોનાના વધુ એક લાખ કેસનો ઉમેરો થયો હતો, જે કોરોનાની વકરતી જતી સ્થિતિ પર ચિંતા ઉપજાવે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના નવા કેસનો આંકડો દૈનિક ૧૨,૫૦૦થી વધુ નોંધાઈ રહ્યો છે. ભારતને કોરોનાના ૧૦૦થી એક લાખ કેસ સુધી પહોંચતા ૬૪ દિવસ થયા હતા જ્યારે માત્ર વધુ એક પખવાડિયામાં કેસનો આંક બે લાખ સુધી પહોંચી ગયો હતો. ત્યાર પછી વધુ ૧૦ દિવસમાં કોરોનાના ૩ લાખ કેસ થયા હતા જ્યારે છેલ્લા એક લાખ કેસ માત્ર આઠ દિવસમાં નોંધાયા છે. ઉપરાંત ૩જી જૂને કોરોનાના કેસ ૨.૦૭ લાખથી વધુ હતા અને માત્ર ૧૮ દિવસમાં કોરોનાના કેસ બમણા થઈને ચાર લાખથી વધુ થઈ ગયા છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. વધુમાં રવિવારે તમિલનાડુ (૨,૫૩૨), કેરળ (૧૩૩) અને ઓડિશા (૩૦૪)માં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા.
દરમિયાન હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટિટયૂટના ડિરેક્ટર ડૉ. આશિષ ઝાએ દેશમાં કોરોનાના કેસમાં આવેલા તીવ્ર ઉછાળાના સંદર્ભમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા ગીચવસતીવાળા રાજ્યોમાં કોરોના બેકાબૂ બનશે તો શું સ્થિતિ સર્જાશે તે વિચારવું પણ ભયાનક છે. ભારતમાં મુંબઈ, દિલ્હી અને ચેન્નઈ જેવા અત્યંત ગીચ વસતી ધરાવતા શહેરોમાં કોરોનાનો પ્રસાર તીવ્ર ગતિએ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.