દેશમાં કોરોનાના કેસ 4 લાખ નજીક, મૃત્યુઆંક 13,000ને પાર થયો

ભારતમાં શનિવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ ૧૪,૫૧૬ કેસ નોંધાવાની સાથે કોવિડ-૧૯ના કુલ કેસની સંખ્યા ૪ લાખની નજીક પહોંચી ગઈ છે. કોરોના વાઈરસના બે લાખ જેટલા કેસ જૂન મહિનામાં જ નોંધાયા છે. કોરોનાથી વધુ ૩૭૫નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૨,૯૪૮ થઈ ગયો છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. મંત્રાલયે ઉમેર્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૯,૧૨૦ દર્દી સાજા થયા છે. આ સાથે કોરોના વાઈરસના કુલ ૩,૯૫,૦૪૮ કેસમાંથી ૨,૧૩,૮૩૦ દર્દી સાજા થયા છે. દેશમાં હાલ કોરોનાના ૧,૬૯,૨૬૯ એક્ટિવ કેસ છે. આમ, દર્દીઓના સાજા થવાનો દર ૫૪.૧૩ ટકા થયો છે.

ભારતમાં સતત ૯મા દિવસે કોરોનાના ૧૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં ૧લી જૂનથી ૨૦મી જૂન સુધીમાં કોરોનાના ૨,૦૪,૫૧૩ કેસ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશ એમ પાંચ રાજ્યોમાં કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ દેશમાં શનિવારે એક દિવસમાં ૧૪,૫૪૨ કેસ નોંધાયા હતા અને ૩૪૨નાં મોત નીપજ્યાં હતાં જ્યારે કુલ કેસની સંખ્યા ૩,૯૩,૮૫૦ થઈ છે અને મૃત્યુઆંક ૧૩,૧૦૦ થયો છે. અત્યાર સુધીમાં ૨,૧૮,૪૧૪ દર્દીઓ સાજા થયા છે. આમ, દર્દીઓના સાજા થવાનો દર ૫૫.૪૫ ટકા થયો છે.

એક મહત્વપૂર્ણ ઘટનામાં મુંબઈમાં મુખ્યાલય ધરાવતી ગ્લેનમાર્ક ફાર્માસ્યુટીકલે જણાવ્યું હતું કે તેણે કોવિડ-૧૯ના હળવાથી મધ્યમ બીમારીની સારવાર માટે ફેબીફ્લુ બ્રાન્ડ નામથી એન્ટીવાયરલ દવા ફેવિપિરાવીર લોન્ચ કરી છે. આ દવા ૨૦૦ એમ.જી. ટેબ્લેટ તરીકે ઉપલબ્ધ થશે તેમ કંપનીએ જણાવ્યું હતું. આ ટેબ્લેટનું ઉત્પાદન હિમાચલ પ્રદેશમાં કંપનીના બડ્ડી એકમમાં થશે.

દરમિયાન કોરોનાના વૈશ્વિક આંકડા પર નજર રાખતી અમેરિકાની વેબસાઈટ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ મુજબ કોરોના વાઈરસના કેસની સંખ્યામાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે. ભારતની આગળ અમેરિકા (૨૨.૨૩ લાખ), બ્રાઝિલ (૧૦.૩૨ લાખ) અને રશિયા (૫.૭૬ લાખ) છે. મૃત્યુદરના સંદર્ભમાં ભારત આઠમા ક્રમે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાથી મોત પામેલા કુલ ૧૩,૧૦૦થી વધુ દર્દીઓમાંથી ૭૦ ટકાનાં મોત કોરોનાની સાથે અન્ય કોઈ ગંભીર બિમારી હોવાના કારણે થયા હતા. સરકારે દેશમાં કોરોનાના ટેસ્ટિંગ માટે લાઈબ્રેરીઓની સંખ્યા પણ વધારીને ૭૧૫ કરી છે, જેમાં ૨૫૯ ખાનગી લેબનો સમાવેશ થાય છે. ભારતે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૯,૮૬૯ સેમ્પલ્સના પરીક્ષણ કર્યા હતા જ્યારે અત્યાર સુધીમાં ૬૬,૧૬,૪૯૬ સ્વાબ સેમ્પલ્સ લેવાયા છે.

દરમિયાન દિલ્હીમાં કોવિડ-૧૯ દર્દીઓ માટે પાંચ દિવસ ફરજિયાત સંસ્થાગત ક્વોરન્ટાઈન મુદ્દે કેજરીવાલ સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ વચ્ચે વિવાદ સર્જાયો હતો. અનિલ બૈજલના આ આદેશ સામે  કેજરીવાલ સરકારે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર પછી બૈજલે જણાવ્યું હતું કે હોસ્પિટલાઈઝેશનની જરૂર ન હોય અને હોમ આઈસોલેશન માટે પર્યાપ્ત સુવિધા ન હોય તેવા લોકો માટે જ આ નિર્ણય લાગુ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.