દેશના દરેક નાગરિકને કોરોનાની રસી ફ્રી મળશે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત

– હાલ વેક્સિન પર ટ્રાયલ ચાલી રહી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોનાની રસી જેવી ઉપલબ્ધ થશે કે તરત દેશના દરેક નાગરિકને ફ્રીમાં આપવામાં આવશે. હાલ એની ક્લીનીકલ ટ્રાયલ ચાલી રહી હતી

કોરોના હાલ આખી દુનિયાને પજવી રહ્યો છે અને વિશ્વના ઘણા દેશો કોરોનાની વેક્સિન માટે પ્રયાસ કરી રહ્યા હતા. એવા સમયે વડા પ્રધાને કરેલી સ્પષ્ટતા મહત્ત્વની હતી.

વાસ્તવમાં બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપે આ જાહેરાત હુકમના પત્તા તરીકે કરી હતી. જો કે વિપક્ષોએ આ મુદ્દે કાગારોળ મચાવી દીધી હતી અને ચૂંટણી પંચને ફરિયાદ કરવાની ધમકી સુદ્ધાં ઉચ્ચારી હતી.

એક અંગ્રેજી અખબારે લીધેલા ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાનને કોરોનાની રસી વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે દેશના દરેક નાગરિકને કોરોનાની રસી મેળવવાનો અધિકાર છે અને તમે ખાતરી રાખજો કે કોરોનાની રસી જેવી ઉપલબ્ધ થશે તેવી અમે દેશના દરેક નાગરિકને એ ફ્રીમાં આપીશું.

તેમણે કહ્યું હતું કે સરકારે કોરોનાના સંકટ સમયે લીધેલાં સમયસરનાં પગલાંને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. લૉકડાઉન જાહેર કરવાથી માંડીને અનલૉક કરવા સુધીના તમામ નિર્ણયો દેશના હિતમાં લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કોરોનાનું સંકટ હજુ પણ છે. તહેવારના દિવસોમાં લોકોએ પોતે અગમચેતી રાખવી જોઇએ અને ડૉક્ટરોએ સૂચવેલા માસ્ક પહેરવાના તથા સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.