વર્ષ 2018માં બ્લાઈન્ડ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહેલ ક્રિકેટર અમદાવાદમાં શાકભાજી વેચીને જીવન ગુજારવા મજબૂર છે. 20 માર્ચ 2018ના રોજ દુબઇના શારજહામાં પાકિસ્તાનના 308 રનોનાં પડકારરૂપ લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યા બાદ ભારતીય બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડ ચેમ્પિયન બનીને દેશનું ગૌરવ વધાર્યું હતું. આ ટીમમાં ગુજરાતનો નરેશ તુમડા પણ સામેલ હતો.
2018માં હીરો બનેલ તુમડાનું જીવન બે વર્ષમાં જ બદલાઈ ગયું. તેના જીવન પર કોરોના મહામારીની અસર પડી અને હવે તે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં શાકભાજી વેચવા માટે મજબૂર બન્યો છે. નવસારીના વાંસદામાં રહેનાર 29 વર્ષીય તુમડા શાકભાજી વેચીને પરિવારના પાંચ સભ્યોનું ગુજરાન ચલાવી રહ્યો છે. તુમડાને આશા હતી કે, વર્લ્ડ કપ જીત્યા બાદ સરકાર તેને નોકરી આપશે, પણ આમ થયું નહીં. જે બાદ તેણે પરિવારનું ગુજરાન ચલાવવા છૂટક મજૂરી પણ કરી. પણ કોરોના કાળમાં મનરેગા સહિતના છૂટક મજૂરીમાં કામ ન મળતા હવે તેની પાસે અમદાવાદમાં શાકભાજી વેચવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.
નરેશ તુમડાએ કહ્યું કે, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતે છે, તો સરકાર અને સ્થાનિક તંત્ર તેમના પર પૈસાનો વરસાદ કરે છે. શું અમે તેમનાથી નીચે ઉતરતાં ખેલાડીઓ છીએ, કેમ કે અમે બ્લાઈન્ડ છીએ? સમાજને અમારી સાથે પણ સમાન વ્યવહાર કરવો જોઈએ.
દુબઇના શારજહામાં યોજાયેલા દિવ્યાંગ વલ્ડકપ ક્રિકેટ ફાઇનલમાં નરેશ તુમડાએ ઓલ રાઉન્ડ દેખાવ કરી 18 બોલમાં 40 રન બનાવી ભારતીય ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. વાંસદા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલા ખાટાઆંબા ગામનો વતની નરેશ તુમડા એકદમ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે. જેણે દેશ અને દુનિયામાં નામ રોશન કરતા ગૌરવ પ્રાપ્ત કર્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.