ભાજપ સરકારના મંત્રીઓને મંત્રી નિવાસસ્થાનમાં ભવ્ય બંગલાઓ ફાળવવામાં આવ્યા છે તેમ છતાં પણ કેટલાક મંત્રીઓ તથા ધારાસભ્યો MLA ક્વાર્ટર ખાલી કરતા નથી. ખુદ મંત્રીઓ જ્યાં નિયમોની ઐસી કી તૈસી કરતા હોય છે.અને એવામાં નિયમો કોને લાગું પડે એવો પ્રશ્ન ફરી ગાંધીનગરની પ્રજામાં ચર્ચામાં છે. મંત્રીઓને ભવ્ય બંગલાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. તેમ છતાં પણ વિધાનસભા સ્પીકર, ડે. સ્પિકર ઉપરાંત કેટલાક મંત્રીઓ MLA ક્વાર્ટર ખાલી કરતા નથી. હાલ તેમણે કોઈ સામાન પણ અહીં શિફ્ટ કર્યો નથી.
માર્ગ મકાન વિભાગે મંત્રીઓને ક્વાર્ટ્સ ખાલી કરવા માટે સૂચના આપી દીધી છે. છતાં કોઈ પ્રકારે અમલવારી થઈ નથી. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને નિયમ અનુસાર રહેવા માટે ક્વાર્ટરથી લઈને અન્ય લાભ દેવામાં આવે છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ગાંધીનગરમાં દરરોજના રૂ.1.37 પૈસાના ભાડાથી ક્વાર્ટર અપાયા છે. ત્રણ બેડરૂમ, ડાઈનિંગ હોલ સહિતની સુવિધા સાથે ક્વાર્ટર આપવામાં આવે છે. મહિનાનું આ ઘરનું ભાડું રૂ.40 થાય છે. જેમાં વીજળી, 24 કલાક પાણી, સોફા, પલંગ ઉપરાંત તમામ ફર્નિચર સેટ હોય છે.
આ સિવાય એક ટિપોઈ પણ આપવામાં આવે છે. ગાંધીનગરમાં આવેલા આ ક્વાર્ટરમાં કુલ 159 બ્લોક ક્વાર્ટર છે. છેલ્લા 50 વર્ષથી ક્વાર્ટરના ભાડામાં કોઈ રીતે વધારો કરવામાં આવ્યો નથી.અને આવા નજીવા ભાડામાં ધારાસભ્યો પ્રજાના ટેક્સના પૈસાથી લીલા લહેર કરી રહ્યા છે. લાભ મેળવી રહ્યા છે. વિજય રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તામાં આવી હતી. એ પછી ભાજપ સરકારના મંત્રીઓને મંત્રી નિવાસસ્થાનમાં બંગલા ફાળવી દેવાયા હતા અને આમ છતાં મંત્રી અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, નિમિષા સુથાર, રાઘવજી પટેલ, પ્રદિપ પરમારે કોઈ રીતે ક્વાર્ટર ખાલી કર્યા નથી તેમજ આ સિવાય વિધાનસભા સ્પીકર નિમાબેન આચાર્ય અને ડે. સ્પિકર જેઠા ભરવાડને બંગલો આપી દેવાયો છતાં ક્વાર્ટર ખાલી કર્યા નથી.
ગાંધીનગરના સૂત્રોએ એવું જણાવ્યું હતું કે ક્વાર્ટર ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે અને તેમ છતાં મંત્રીઓ અને સ્પીકર કંઈ સાંભળતા જ નથી. હાલ એમના આ ઘરમાં એમના પરિવારના સભ્યો અને સગાવ્હાલા રહે છે. વિગત એવી પણ મળી છે કે એક પૂર્વ મંત્રીએ પોતાના વિસ્તારના વિદ્યાર્થીઓને આ ઘર આપ્યું છે. જ્યાં વિદ્યાર્થીઓ રહે છે અને કસોટીની તૈયારીઓ કરે છે. ટૂંકમાં મંત્રીઓ જ ક્વાર્ટર પર કબજો કરીને બેઠા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.