જો અર્થતંત્રમાં પૈસા નહીં રોકવામાં આવે તો બધું બરબાદ થઈ જશે અને હાલ એ જ બની રહ્યું છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભારત અને ચીન વચ્ચેના વિવાદ અંગે એક વીડિયો ટ્વિટ કર્યો હતો. આ વીડિયોમાં રાહુલ ગાંધી નીડરતાપૂર્વક પોતાના મંતવ્યો રજૂ કરતા જોવા મળે છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સવાલ એ છે કે આખરે ચીનાઓએ આ સમય જ શા માટે પસંદ કર્યો. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ અર્થતંત્ર, પાડોશી સાથેના સંબંધો અને વિદેશ નીતિ મામલે ખુલીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હાલ ભારતની શું સ્થિતિ છે કે ચીનને આ પગલું ભરવાની રજા મળી ગઈ. એવું શું બની ગયું કે ચીનને વિશ્વાસ થઈ ગયો કે તે આવું પગલું ભરી શકે તેમ છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું હતું કે, ‘આ મુદ્દાને સમજવા અનેક બાબતો સમજવી પડશે. દેશની રક્ષા મુખ્ય રૂપથી વિદેશ નીતિ, અર્થતંત્ર અને લોકોના વિશ્વાસ પર ટકેલી છે. પરંતુ છેલ્લા છ વર્ષમાં આ બધા જ મુદ્દે દેશ ફેલ થયો છે.’
વિદેશ નીતિ મુદ્દે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પહેલા આપણે અમેરિકા, રશિયા, યુરોપ સહિત લગભગ તમામ દેશો સાથે સારા સંબંધો હતા. પરંતુ આજે આપણા સંબંધો ફક્ત વ્યાપાર પૂરતા રહી ગયા છે, રશિયા સાથેના સંબંધો ખરાબ થયા છે. પહેલા નેપાળ, ભૂતાન, શ્રીલંકા આપણા મિત્ર હતા. પાકિસ્તાન સિવાયના તમામ પાડોશી આપણા સાથે કામ કરતા હતા પરંતુ આજે બધા આપણા વિરૂદ્ધ વાત કરી રહ્યા છે.
કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે, એક સમયે અર્થતંત્ર આપણો પાવર હતું પરંતુ આજે બેરોજગારી ચરમસીમાએ છે. નાના વેપારીઓ મુશ્કેલીમાં છે પરંતુ સરકાર આપણી વાત નથી સાંભળી રહી.
કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે, જો તમે એક દેશની રીતે વિચારશો તો દરેક વસ્તુનું મહત્વ છે. જો અર્થતંત્રમાં પૈસા નહીં રોકવામાં આવે તો બધું બરબાદ થઈ જશે અને હાલ એ જ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતા હવે દર થોડા દિવસે આવા વીડિયો અપલોડ કરશે જેમાં તે વિભિન્ન મુદ્દે પોતાના મંતવ્ય રજૂ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.