કોરોનાની અસર : ભારતની સૌથી મોટી સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અંદાજે 1 લાખ લોકો બેકાર થવાનો ભય.

  • લોકડાઉનની સ્થિતિએ રૂ. 12-15 હજાર કરોડના પેમેન્ટ અટક્યાં.
  • સુરત ટેક્સટાઇલ માર્કેટનું વાર્ષિક ટર્નઓવર રૂ. 50,000 કરોડથી વધુ.
  • દેશભરમાં સુરત ટેક્સટાઇલનું સૌથી મોટું માર્કેટ ગણાય છે.

વેપારીઓ અને ટેક્સટાઇલ માર્કેટના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં અનેક રાજ્યોમાં લોકડાઉન છે તેમજ અન્ય નિયંત્રણો લાગેલાં છે, એને કારણે રૂ. 12,000-15,000 કરોડનાં પેમેન્ટ અટકી પડ્યાં છે. જો આવી પરિસ્થિતિ લાંબો સમય રહેશે તો માર્કેટમાં 17,000થી વધુ વેપારીઓ પોતાનો ધંધો બંધ કરી શકે છે. આ ઉપરાંત આ સેક્ટર સાથે જોડાયેલા અંદાજે 1 લાખથી વધુ લોકો પણ બેકાર બને એવો ભય છે.

રૂ. 12,000-15,000 કરોડનાં પેમેન્ટ અટકી પડ્યાં છે ;

ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે સુરત ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ છે. અહીંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતનાં રાજ્યોમાં માલ મોકલવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ડિમાન્ડ સારી હતી. અમારી પેમેન્ટ-સાઇકલ સરેરાશ 100 દિવસની હોય છે, પણ દેશમાં અત્યારે જે સ્થિત છે એને કારણે જેમને માલ વેચ્યો છે તેમના ધંધા પણ ઠપ્પ છે. આને લીધે તેમના તરફથી કોઈ પેમેન્ટ આવ્યું નથી. એક અંદાજ મુજબ રૂ. 12000-15000 કરોડનાં પેમેન્ટ અટકી પડ્યાં છે અને એ ક્યારે આવશે? અથવા આવશે કે નહીં? એ હજુ નક્કી નથી.

દેશની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 50%થી વધુ ઓર્ડર કેન્સલ ;

ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (CMAI)એ તાજેતરમાં ડોમેસ્ટિક ગાર્મેન્ટ માર્કેટ પર એક સર્વે કર્યો છે. આ સર્વે મુજબ દેશની ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોરોનાની બીજી લહેર આવી એ દરમિયાન 50%થી વધુ ઓર્ડર કેન્સલ થયા છે. સર્વેમાં જણાવાયું છે કે એપ્રિલમાં ગાર્મેન્ટનો વેપાર 75%થી વધુ ઘટ્યો છે. આ બધાની અસર રૂપે ઉત્પાદકોએ તેના સ્ટાફમાં 25% જેવો ઘટાડો કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.