મોદી સરકાર આગામી બીજા છ માસિક ગાળા દરમિયાન બજારમાંથી રૂ. 2.68 લાખ કરોડનું નાણાં ભંડોળ એક્ત્ર કરશે. જો સરળ શબ્દોમાં કહેવું હોય તો સરકાર આટલા લાખ કરોડનું નવું દેવું કરશે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે જૂન 2019ના અંતે સમાપ્ત થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારત સરકારનું જાહેર દેવું એટલે કે કુલ જવાબદારી વધીને રૂ. 88.18 લાખ કરોડે પહોંચી ગઇ છે. ત્યારે આ નવું દેવું કરવાની યોજના દેવાના ડુંગળ તળે જ મોદી સરકારનો શ્વાસ રુંધી નાંખશે.
આર્થિક બાબતોના સચિવ અતનું ચક્રવર્તીએ કહ્યું કે, સમગ્ર નાણાંકીય વર્ષે 2019-20 દરમિયાન કેન્દ્ર સરકારે કુલ રૂ. 7.10 લાખ કરોડ બજારમાંથી એક્ત્ર કરવાનો નિર્ણય લીધો છે. જેમાંથી 62.5 ટકા એટલે કે રૂ. 4.42 લાખ કરોડનું ઋણ સરકારે એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં જ મેળવી લીધું છે. વધુમાં કહ્યું કે, તેમની સરકાર ચાલુ નાણાં વર્ષમાં રાજકોષીય ખાધના લક્ષ્યાંકને 3.3 ટકાના સ્તરે જાળવા રાખવાનો પ્રયત્ન કરી રહી છે.
સચિવે કહ્યું કે, કરવેરા પેટેની આવકમાં રૂ. 1.45 લાખ કરોડની ઘટ પડવાની ભીંતિએ બજેટરી લક્ષ્યાંકો હાંસલ કરવામાં મોટો અવરોધ ઉભો કર્યો છે. તેમ છતાં મોદી સરકાર તેમના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે નિર્ધારિત પથ ઉપર મક્કમ મને આગળ વધી રહી છે. જો કે ચક્રવર્તીએ એ વાતનો ઉલ્લેખ ન કર્યો કે સરકાર કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી આવકમાં પડનાર ઘટને કેવી રીતે ભરપાઇ કરશે જે હાલ સર્વાધિક ઉચ્ચ સ્તરે છે. ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન સરકારે રૂ. 4.42 લાખ કરોડનું દેવુ કર્યું છે જે બજેટ લક્ષ્યાંકના 62.5 ટકા બોરોઇંગ છે. હવે તેના બજેટ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આગામી ઓક્ટોબરથી માર્ચ સુધીના છ મહિનામાં સરકાર રૂ. 2.68 લાખ કરોડનું નવું દેવું કરશે.
ઓવરસિઝ સોવરિન બોન્ડ્સ મુદ્દે સચિવે કહ્યું કે, વિદેશી ચલણીમાં ઇશ્યૂ કરવામાં આવનાર બોન્ડના નિર્ણયો હાલના વર્તમાન ભાવ, બજારની સ્થિતિ અને સંબંધિત બાબતો, બોન્ડના માળખાંના આધારે લેવાશે. “બજારમાં પ્રવેશતા પહેલા અમારે ખૂબ સચેત રહેવાની અને વિચારણાની જરૂર છે. જે મુદ્દે હાલમાં બંધારણીય અને વિવિધ નિયમો અંગે કામગીરી ચાલી રહી છે અને તે એક લાંબી પ્રક્રિયા છે. સરકાર દ્વારા આ વર્ષ માટે લેવામાં આવેલ તમામ ઉધાર રૂપી-ડોનોમિનેટેડ બોન્ડમાં રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.