ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થયું છે. કારણ કે કોંગ્રેસના ધારાસભ્યો પ્રવક્તા અને ખુદ કાર્યકારી અધ્યક્ષ નારાજગી વ્યક્ત કરીને ભાજપ સાથે જોડાયેલા છે. ત્યારે હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કેસરિયા કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. આ ધારાસભ્યનું નામ લલિત વસોયા છે અને તે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય છે.અને મહત્ત્વની વાત છે કે, 11 દિવસ પહેલા લલિત વસોયા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગહન ચર્ચા કરતી એક તસવીર સોશિયલ મીડિયામાં મુકતા એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, હાર્દિક પટેલ બાદ હવે લલિત વસોયા પણ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી શકે છે.
મહત્ત્વની વાત છે કે 1 જૂનના રોજ ઉપલેટામાં શહીદ વીર રમેશ જોગલની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો સાથે લલિત વસોયા કે જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને પણ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું હતું. કાર્યક્રમ સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની બાજુમાં લલિત વસોયા બેઠા હતા. ત્યારબાદ બંને વચ્ચે એક ગહન ચર્ચા થતી હોય તેવી તસવીર પણ લલિત વસોયાએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મુકી હતી. તો બીજી તરફ જામકંડોરણામાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું અને આ સપ્તાહમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની હાજરી જોવા મળી હતી અને લલિત વસોયાનું સન્માન પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ મોમેન્ટો આપીને પણ કર્યુ હતું. એટલે કે એકાએક ભાજપના નેતાઓના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા દેખાતા એવી અટકળો ચાલી રહી છે કે, હવે લલિત વસોયા પણ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરી શકે છે.
હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ હવે ચર્ચાઓ ચાલી રહી છે કે, હાર્દિક પટેલ ગ્રુપના જે સૌરાષ્ટ્રના ધારાસભ્યો છે તે પણ હવે ભાજપમાં જોડાવા માટે લાઈનમાં છે અને હાર્દિક પટેલ ગ્રુપના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે આ અગાઉ લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાના સ્ક્રીનશોટ વાયરલ થયા તે બાબતે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હું એક પણ ગ્રુપમાંથી લેફ્ટ થયો નથી કોઈ ટીખળ કરીને મને બદનામ કરવાના ખોટા પ્રયાસ કરી રહ્યું છે અને હું વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયો એવું જો કોઈ સાબિત કરી બતાવે તો ધારાસભ્યનું પદ છોડવા માટે તૈયાર છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.