ડાયમંડ બુર્સ કાર્યરત થાય તે પહેલા જ સુરતના હીરા ઉદ્યોગકારોને મોટી ભેટ

સુરત / માઇનિંગ કંપનીઓ હવે રફ ડાયમંડ સુરતમાં વેચી શકશે, મુંબઈ કે વિદેશ જવાનો ધક્કો ટળશે, કિંમતી સમયની સાથે રફની કોસ્ટિંગ 10 ટકા ઘટશે

કસ્ટમ અધિકારીની સીધી દેખરેખ હેઠળ કામગીરી થશે, હોટલો – એરપોર્ટ ધમધમશે

શહેરની 6500 ડાયમંડ યુનિટ પૈકી 70 ટકા નાના ઉદ્યોગકારોને સીધો ફાયદો

સુરતઃ ડાયમંડ કટિંગ અને પોલિશ્ડનું હબ ગણાતા સુરતને ડાયમંડ બુર્સ રૂપી ભેટ મળે તે પહેલા જ સરકારે સારા સમાચાર આપ્યા છે. ઈચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા તૈયાર કરાયેલા સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર (એસઆઈડીએસ)ને સ્પેશિયલ નોટીફાઈડ ઝોન(એસએનઝેડ) તરીકેની પરવાનગી મળી ગઈ છે. જેના કારણે હવે ડીબિયર્સ, અલરોઝા, રિયો ટીન્ટો જેવી ડાયમંડ માઈનીંગ કંપનીઓ સીધુ રફ હીરાનું વેચાણ સુરત આવીને કરી શકશે. જેનો સીધો લાભ સુરતના 6500 હીરા એકમો પૈકીના 70 ટકા નાના હીરા ઉદ્યોગકારોને મળશે. આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો સુરતના હીરા વેપારીઓને એ થશે કે રફની કોસ્ટિંગ દસ ટકા જેટલી નીચે આવી જશે. જેથી પોલીશ્ડ ડાયમંડના વૈશ્ચિક બજારમાં સુરતની પકડ વધુ મજબૂત બનશે. ડિસેમ્બરના અંત સુધી આ સેન્ટર કાર્યરત થઈ જાય એવી સંભાવના છે.

દોઢ માસ અગાઉ સપ્ટેમ્બરમાં ઈચ્છાપોર ગુજરાત હીરા બુર્સ ખાતે 3000 સ્કે.ફૂટમાં જીજેઈપીસી દ્વારા તૈયાર કરાયેલા સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે મધ્યપ્રદેશની પન્ના માઈન્સના દ્વારા જેમ્સ ક્વોલિટીના રફ હીરાનું પ્રર્દશન યોજાયું હતું. તે વખતે જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નવાડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં પણ રફ હીરાનું ટ્રેડિંગ શરૂ થાય તે ઉદ્દેશથી આ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. અત્યાર સુધી મુંબઈ ખાતે વર્ષ 2015થી બીડીબી (ભારત ડાયમંડ બુર્સ)ખાતે કાર્યરત થયેલા એસએનઝેડ મારફતે રફ હીરાનું પ્રર્દશન અને ટ્રેડિંગ શરૂ થયું હતું. જોકે, હવે ડાયટ્રેડ સેન્ટર શરૂ થયા બાદ સુરતમાં પણ ડાયમંડનું ટ્રેડિંગ શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.