હીરા ઉદ્યોગની સુરક્ષા માટે સુરતમાં ડાયમંડ સિટી પોલીસ સ્ટેશન બનશે જાણો ક્યાં નેતાએ કહ્યું??

રાજયમાં છેલ્લા 27 વર્ષના ભાજપના (BJP) શાસનમાં પહેલી વખત વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ગૃહ વિભાગની માંગણીઓ સામે પોતાની કાપ દરખાસ્ત પાછી ખેંચી લીધી હતી.અને ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) રાજયમાં નશાખોરી સામે લડવા માટે વિપક્ષના સભ્યનો સહકાર માગ્યો હતો. સંઘવીએ કહ્યું હતું કે, રાજયભરમાં ડ્રગ્સની  હેરફેર અટકાવવા માટે પોલીસ દ્વારા સખત હાથે કાર્યવાહી થઈ રહી છે. આ લડાઈ યુવા પેઢીને બચાવવા માટેની છે, જેમાં મારે વિપક્ષનો પણ સહયોગ જોઈએ છે. સરકાર ડ્રગ્સ માફિયાઓને છોડવાની નથી.જેથી આજે વિધાનસભામાં ગૃહ વિભાગની રૂ.૮૩૨૫ કરોડની માંગણીઓ સર્વાનુમતે પસાર કરાઈ હતી. અંદાજપત્રમાં ગૃહ વિભાગની માં રૂપિયા ૬૬૫ કરોડના ખર્ચે સાકાર થનારી નવી યોજનાઓનો પણ સમાવેશ થાય છે

ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં રહેણાંકના ૧૨૦૦૦ મકાન તેમજ બિન રહેણાંક ૩૭ મકાન બનાવવા માટે રૂપિયા ૮૬૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ આવાસ નિગમની ૧૯૮૮માં સ્થાપના થઇ હતી. ત્યારથી અત્યાર સુધી રૂ. ૪૪૪૩ કરોડના ખર્ચે ૪૮૬૫૦ રહેણાંકના મકાન તેમજ રૂ. ૨૪૩૪ કરોડના ખર્ચે ૩૩૬૩ બિન રહેણાંકના મકાનોની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પૈકી રૂ.૨૧૬૯ કરોડના ખર્ચે ૩૭૦૮૦ રહેણાંકના અને રૂ.૧૭૧૦ કરોડના ખર્ચે ૩૦૨૫ બિન રહેણાંકના કામો પૂર્ણ થયેલ છે. અને વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષમાં છોટા ઉદેપુર, વલસાડ, પાલનપુર અને ગીર સોમનાથ ખાતે રૂ.૧૫૮ કરોડના ખર્ચે નવી જેલ તેમજ રહેણાંક મકાનોનું નિર્માણ કરવામાં આવશે. જેના લીધે કેદીઓને વધુ સારી સુવિધા આપી શકાશે તેમજ ક્ષમતા કરતા વધુ કેદીઓ રાખવાની સમસ્યાનું મહદઅંશે નિવારણ થશે.

તેમણે કહ્યું હતું કે, સુરત શહેરમાં હીરાના ઉદ્યોગનો વિકાસ થયો છે. જેથી સુરતને ગુજરાતનું એન્ટવર્પ ગણવામાં આવે છે. સુરતમાં હીરા ઉદ્યોગના વેપારીઓના જાન-માલની સલામતી અને સુરક્ષા માટે ડાયમંડ સીટી પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. એ જ રીતે સમગ્ર વિશ્વમાં નાણાકીય પ્રવુતિઓ માટે આર્કષણનું કેન્દ્ર બનેલા ગિફ્ટ સિટી ખાતે પણ અલાયદું પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. જેના માટે રૂ.૩ કરોડની જોગવાઈ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.