દિવ્યાંગો પ્રત્યે લાગણીશીલતા બતાવવાના હવાતિયાં મારતી સરકારે ટ્રમ્પના કાર્યક્રમમાં ‘નો-એન્ટ્રી’ આપી

ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે, આ કાર્યક્રમમાં સરકારે દિવ્યાંગોની એન્ટ્રી ઉપર પાબંદી ફરમાવી છે, એક તરફ સરકાર દિવ્યાંગોના વિકાસની વાતો કરે છે, સંવેદનશીલ હોવાના બણગાં ફૂંકે છે ત્યારે હોસ્ટ સુપરવાઈઝરો તેમજ બસ સુપરવાઈઝરોને સ્પષ્ટ સૂચના આપી છે કે, દિવ્યાંગ ભાઈ-બહેનોને આ કાર્યક્રમમાં લાવવા નહિ, દિવ્યાંગો ઉપરાંત ઉંમર લાયક વ્યક્તિઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પણ કાર્યક્રમમાં લાવવાની સાફ મનાઈ ફરમાવી દીધી છે. દિવ્યાંગોને કાર્યક્રમમાં નહિ લઈ જવાની બાબત વિવાદ સર્જે તો નવાઈ નહિ.

મોટેરાના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી લોકોને એસટી બસોમાં લાવવામાં આવશે, આ સંદર્ભે એવી પણ સૂચના અપાઈ છે કે, બસ ખાલી કે અડધી જ ભરેલી ના આવે તે ખાસ જોવાનું રહેશે. બસને સૂચવેલા રૂટના રસ્તે પાર્કિંગ સ્થળે લઈ આવવી, સમયનું બરોબર રીતે પાલન થાય તે ખાસ જોવા ઉપરાંત એસટી બસોમાં જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી છે એટલે રાજ્યકક્ષાએથી બસનું ટ્રેકિંગ થશે. બસમાં બેઠેલા ડેલિગેટ્સની હાજરી લેવાની રહેશે અને આ યાદી પાર્કિંગ સ્થળે હેલ્પ ડેસ્ક ઉપર આપવાની રહેશે. બસમાં જ ડેલિગેટસને ફૂડ પેકેટ અને પાણી આપવાનું રહેશે અને એ પછી પરત જતી વખતે જ બસમાં ફૂડ પેકેટ આપવાનું કહેવાયું છે.

મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવાની લ્હાયમાં કોઈ તોફાની, ગુનાઈત કે અસામાજિક ઈસમો ના આવી જાય તેની અંગત કાળજી રાખવાની બસ સુપરવાઈઝરને તાકીદ કરાઈ છે, બસમાં લઈ જવાના ડેલિગેટ્સને તાલુકા કક્ષાએથી નામજોગ ફાળવેલા પ્રવેશ પાસનું વિતરણ કરવાનું રહેશે અને તેમાં કોઈ ભળતા માણસને પાસ નહિ આપવાનું પણ કહેવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.