દિવાળીમાં કોરોના વિસ્ફોટ: કાળી ચૌદસ અમદાવાદીઓ માટે ભારે રહી, આખી રાત દોડતી રહી એમ્બ્યુલન્સ

ગુજરાતભરમાં કોરોના વાયરસનો હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યાં અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધતુ જઇ રહ્યું છે. ત્યાં અમદાવાદ માટે કાળી ચૌદસની રાત ખરેખર કાળી રહી. અમદાવાદ કોરોનાના કેસો ભયજનક રીતે વધી રહ્યાં છે. તમે જેની પણ સાથે વાત કરો ત્યારે સામેની વ્યક્તિ સંક્રમિત જ છે, તેમ સમજીને સાવચેતી રાખવાનો સમય હવે આવી ગયો છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદસની રાતે અતિભારે રહી કારણ કે એક રાતમાં જ ઇમરજન્સીમાં 98 કોરોના દર્દીઓ આવ્યા. જેના પગલે આખી રાત એમ્બ્યુલન્સો દોડતી રહી. અડધીરાતે આટલા બધા નવા કેસ આવતા બે નવા વોર્ડ ખોલવાનો વારો આવ્યો હતો. તેવામાં હવે જો કોરોન ગયો એમ સમજવાની ભૂલ કરનારાઓએ ચેતી જવાનો સમય આવી ગયો છે કારણ કે જો આટલા જ કેસ આવતા રહેશે તો ટૂંક સમયમાં સિવિલમાં આઇસીયુ વોર્ડ ફૂલ થઇ શકે છે.

જણાવી દઇએ કે એક જ રાતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં સિરિયસ દર્દીઓની સંખ્યા વધુ છે. તેવામાં જો દિવાળીની ઉજવણીમાં કોરોનાને ભૂલી ગયા તો આ ઉજવણી અમદાવાદીઓને ભારે પડી શકે છે. કોરોના કેસની સંખ્યાની વાત કરીએ તો તહેવારોમાં જ કોરોના વિસ્ફોટની સ્થિતિ પેદા થઇ છે કારણ કે દિવાળીના દિવસે જ કોરોના કેસનો આંકડો 500ને પાર થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં એમ્બ્યુલન્સ સતત દોડતી રહી. જણાવી દઇએ કે અત્યારે સિવિલ હોસ્પિટલમાં 517 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.

અમદાવાદમાં 1882 દર્દીઓના મોત
મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ દર્દીઓની સંખ્યા 46838ના આંકને આંબી ગઈ છે. જેમાંથી 1882 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે કોરોનાને હરાવીને સાજા થયેલાં 37029 લોકોને હોસ્પિટલે તેમજ હોમ આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. બીજી તરફ એકટિવ કેસો ફરી વધવાનું ચાલુ થયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.