દિવાળીમાં માવાની મીઠાઇ ખાતા પહેલાં સાવધાન, મીઠી બરફીના તમામ કારખાના સીલ

ગાંધીનગર : દિવાળી દરમિયાન પરંપરાગત મીઠાઇ બનાવવાનો અને ખવડાવાનો આપણે ત્યાં રિવાજ છે. પરંતુ આ દિવાળીએ મીઠાઇની મીઠાશ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એવો ઘટસ્ફોટ થયો છે કે મીઠી બરફીના નામે કેટલાક કારખાનાઓ દ્વારા વેપારીઓને ખૂબ જ ખતરનાક માવો પધરાવાઇ રહ્યો છે. એવી વિગતો સાપડી છે કે કારખાનાઓ ટેલ્કમ પાવડર અને ખાંડ મિશ્રિત માવો હોલસેલ વેપારીઓ અને ગામડાના નાના વેપારીઓને અંદાજે સો થી દોઢસો રુપિયે કિલોના ભાવે પૂરી પાડી રહ્યા છે.

આજ માવામાં કલર ભેળવીને વિવિધ મીઠાઇઓ બનાવીને વેપારીઓ તેને રૂ. 700થી રૂ. 800 કિલોના ભાવે વેચી રહ્યા છે. આ રીતે ગ્રાહકો ગુણવત્તા અને ભાવ બંને રીતે છેતરાઈ રહ્યા છે. કાયદાની છટકબારી શોધીને મીઠી બરફીના નામે ભેળસેળ યુક્ત માવો વેચી રહેલા ગુજરાતના આવા કુલ 45 એકમોને હાલ રાજ્યના ફૂડ એન્ડ ડ્ર્ગ્ઝ વિભાગે સીલ કર્યા છે.

આ મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ્ઝ કમિશનર હેમંત કોશિયાએ જણાવ્યુ હતુ કે , “તેમને મહેસાણા અને ગાંધીનગરના બે કારખાનાઓમાં ટેલ્કમ પાવડર મિશ્રિત મીઠી બરફી હોવાનું ધ્યાને આવતા બંને એકમોને સીલ કરી દેવામાં આવ્યા હતા.”

જોકે, બાદમાં ગુજરાતના તમામ મીઠી બરફી બનાવતા કારખાના પર તપાસ કરતાં એવું સત્ય સામે આવ્યું હતું કે મીઠી બરફીના નામે એક કારખાનામાં નહીં પરંતુ રાજ્યના લગભગ તમામ કારખાનાઓમાં આવું ચાલી રહ્યું છે. આવું કરીને આ લોકો જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. જે બાદમાં ગુજરાતના તમામ 45 કારખાનાઓને​ દંડ ફટકારીને સીલ કરી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.