ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની હયાત હોટેલમાં રોકાશે, હોટલે આ પાંચ દિવસ બુકિંગ કર્યું બંધ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના આગામી ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદ આવવાના છે. મોટાભાગે તેઓ 24 ફેબ્રુઆરીએ સીધા લેન્ડ જ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થશે. અમદાવાદમાં રોકાણ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વસ્ત્રાપુર સ્થિત હોટેલ હયાતમાં ઉતરશે એ લગભગ નક્કી છે. રસપ્રદ છે કે, અગાઉ ચીનના પ્રમુખ શી જિનપિંગ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ પણ વસ્ત્રાપુરની હયાત હોટેલમાં જ રોકાયા હતા. હોટેલ હયાત દ્વારા પણ આ રોકાણ અંગેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વસ્ત્રાપુર સ્થિત હયાત હોટેલની બુકિંગ સાઈટ પર 22થી 26 ફેબ્રુઆરી સુધીનું ઓનલાઈન બુકિંગ બંધ કરી દેવાયું છે. આમ, હયાત હોટેલમાં 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી એક પણ રૂમ ઉપલબ્ધ નથી તેવું તેની વેબસાઈટ પર દર્શાવાય છે. આનેપગલે DivyaBhaskar દ્વારા હયાત હોટેલ પર ટેલિફોન કરીને આ સમયગાળામાં રૂમ બુક કરવાની વાત કરવામાં આવી તો બુકિંગ એક્ઝિક્યુટિવે 22થી 26 ફેબ્રુઆરી સુધી આખેઆખી હોટેલ બુક હોવાનું જણાવી એક પણ રૂમ બુક કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

એક્ઝિક્યુટિવે એમ પણ જણાવ્યું હતું કે, હયાત હોટેલ અને હયાત રિજન્સી એમ બંને હોટેલમાં 22થી 26 ફેબ્રુઆરી સુધી એક પણ રૂમ ઉપલબ્ધ નથી. આમ, પ્રમુખ ટ્રમ્પ વસ્ત્રાપુર હયાતમાં અને તેમના રસાલાના અન્ય ઉચ્ચાધિકારીઓને તથા મીડિયા કર્મચારીઓને હયાત રિજેન્સીમાં ઉતારો આપવામાં આવી શકે છે. હયાત રિજન્સીથી ગાંધી આશ્રમ નજીક છે અને ટ્રમ્પ વસ્ત્રાપુર હયાતમાંથી નીકળે તે પહેલાં તેમના રસાલાના અધિકારીઓને ગાંધી આશ્રમ પહોંચાડી દેવામાં સરળતા રહે તે હેતુથી હયાતની ઉસ્માનપુરા હોટેલને પણ આ ચાર દિવસ માટે બ્લોક કરી દેવાઈ હોવાનું મનાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.