AMCના ભાજપી શાસકોએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટને બચાવવા હવે મુલ્ક મશહુર એવી AMTSને ખંભાતી તાળું મારવાનો આખરી પ્લાન ઘડી કાઢયો છે અને જો એ પ્લાન વહીવટી કક્ષાએ જ આગળ વધશે તો બહુ દૂર નહીં પરંતુ આગામી સપ્તાહમાં જ શહેરમાં દોડતી મ્યુનિ. બસો પૈકી ૭૫ ટકા બસોનાં પૈડાં થંભી જશે અને નામ પૂરતી જ બસો મ્યુનિ. કોર્પોરેશનના નામ પૂરતી અને શહેરની હેરિટેજ ઓળખ તરીકે ચાલુ રહેશે. જે ૧૯૫૦માં મોરિસ કંપની દ્વારા શહેરમાં ખાનગીરાહે ચાલતી બસ સેવા જેવી સેવા બની રહેશે.
મ્યુનિ. વહીવટી તંત્રના વરિષ્ઠ વાહકો અને મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસના વડા વાહકો વચ્ચે ગત સોમવારે યોજાયેલી એક સંયુક્ત બેઠકમાં મ્યુનિ. તંત્રના વડા મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ એવી સ્પષ્ટ તાકીદ કરી હતી કે, બીઆરટીએસ કોરિડોરમાં ચાલતી તમામ મ્યુનિ. બસો કોરિડોરમાંથી હટાવી લેવામાં આવે એટલું જ નહીં બીઆરટીએસ કોરિડોર બહારના ભાગમાં સમાંતર ચાલતી મ્યુનિ. બસો પણ ખસેડી લેવામાં આવે. એટલે કે, બીઆરટીએસ કોરિડોરની અંદર અને બહાર ચાલતી તમામ મ્યુનિ. બસો બંધ કરવામાં આવે અને જ્યાં દોડાવવી હોય ત્યાં નવો પ્લાન બનાવીને દોડાવે.
કહે છે કે, મ્યુનિ. વહીવટી તંત્રના વડાની આ તાકીદથી ટ્રાન્સપોર્ટ સર્વિસના જનરલ મેનેજર સહિત તમામ અધિકારીઓ ચોંકી ગયા હતા અને બેઠકમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. આ બેઠકના અંતે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન અતુલ ભાવસારે એવો સ્પષ્ટ અભિપ્રાય આપતાં એમ કહ્યું હતું કે, હું બીઆરટીએસની અંદર અને બહાર મ્યુનિ. બસસેવા બંધ કરવા સંમત નથી. આમ કરવાથી તો મ્યુનિ. બસ સર્વિસ જ ઠપ્પ થઈ જશે અને મ્યુનિ. બસના લાખો પ્રવાસીઓ રઝળી પડશે. પ્રવાસીઓના હિત વિરુદ્ધની આવી કોઈ દરખાસ્ત હું સ્વીકારી શકું નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.