સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં સામે આવેલા ડ્રગ્સ મામલે સેન્સ કોર્ટે આજે રિયા ચક્રવર્તીની જામીન અરજી ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે શૌવિક ચક્રવર્તી, સૈમઅલ, દીપેશ, બાસિત અને જૈદની પણ અરજી નકારી કાઢી છે.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધે ડ્રગ કેસમાં પકડાયેલી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર સુનાવણી શુક્રવાર પર મોકૂફ રાખી હતી. રિયા, શૌવિક, દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરાન્ડા, ઝૈદ વિલાતરા અને બશિત પરિહારની જામીન અરજી પર સેશન્સ કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આજે જામીન અરજી પર આજે ચુકાદો આપ્યો છે.
ધરપકડ બાદ 14 દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલાયેલી રિયાએ સ્થાનિક કોર્ટમાં જામીન અરજી કરીને દાવો કર્યો હતો કે તેને ખોટી રીતે સંડોવવામાં આવી છે. અરજીમાં જણાવાયું હતુ કે તેની પાસેથી કોઈ ડ્રગ્સ કે પ્રતિબંધિત વસ્તુ જપ્ત થઈ નથી અને જો કોઈ આરોપ હશે તો તે પણ નાની માત્રા સંબંધી છે. દાણચોરીને ફાઈનાન્સ કરતી હોય કે ગુનેગારોને ડ્રગ્સને લઈને મદદ કરી હોય એવું કોઈ રેકોર્ડ પર નથી. રિયાએ અરજીમાં એમ પણ જણાવ્યું છે કે તેને કબૂલાત કરવા ફરજ પડાઈ હતી જે તે હાલ પાછી ખેંચે છે.
અદાલતી કસ્ટડીમાં તેનો જીવ જોખમમાં છે તેને બળાત્કાર અને મૃત્યુની ધમકી આપવામાં આવે છે. અરજીમાં દલીલ કરાઈ હતી કે તેની ધરપકડ બિનજરૂરી છે અને કોઈ તર્ક વિનાની છે અને તેની આઝાદીને જોહુકમીથી છીનવાઈ છે. તપાસ દરમ્યાન કોઈ મહિલા અધિકારી હાજર નહોતી. પૂછપરછ દરમ્યાન કાનૂની સલાહ પણ લેવા દેવાઈ નહોતી.
એકથી વધુ પુરૂષ અધિકારીઓને આઠ કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી. રિયાને બુધવારના રોજ ભાયખલા જેલ ખસેડાઈ હતી. જામીન નકારીને મેજિસ્ટ્રેટે તેને 22 સપ્ટેમ્બર સુધી કસ્ટડી આપી હતી. બોયફ્રેન્ડ સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાના આરોપસર 28 વર્ષની રિયાની સોમવારે ધરપકડ કરાઈ હતી. સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી અને તેના મૃત્યુની તપાસ સીબીઆઈ કરી રહી છે.
આજે કોર્ટ દ્વારા જામીન અરજી ફાગાવાયા બાદ રિયાને હાલ ભાયખલા જેલમાં જ રહેવું પડશે, જોકે માનવામાં આવી રહ્યું છે કે રિયાના વકીલો હવે હાઈકોર્ટમાં જશે અને જામીન માંગશે. દીપેશ સાવંતના વકીલોએ દલીલ કરી હતી કે તેમના વિરુદ્ધ કોઈ બિનજામીન ધારા લગાવવામાં આવી નથી તેથી તેમને જામીન મળવા જોઈએ. જોકે કોર્ટે તેમને કોઈ રાહત ન આપી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.