દૂધમાં થતી મિલાવટ ભારતને કેન્સરગ્રસ્ત બનાવી રહી છે

હિંદુસ્તાન બદલ રહા હૈ ….નવું ભારત , શમણાનું ભારત જેવા ગૌરવપ્રદ શબ્દો કાનમાં મધ ઘોળતા હોય તેવા ભાસે છે. અને ક્યાંક વાતમાં દમ પણ છે. હિંદુસ્તાન વિસ્તરી રહ્યું છે , પાંગરી રહ્યું છે.મહોરી રહ્યું છે. પરંતુ સામે છેડે કેટલીક ચીજો તેવી પણ છે કે જે લોકોનો કુદરતી અને કાયદાકીય અધિકાર હોવા છતાં લોકોના નથી મળી રહી અને લોકોના જીવન રક્ષણ સામે પણ બહુ મોટા પડકારો આ સ્થિતિ પેદા કરી રહી છે. આ અગાઉ પણ આ અંગે ચર્ચા કરવામાં આવી જ છે. પરંતુ આજે પણ સ્થિતિ તેની તે જ છે. હાલમાં ટ્રાફ્કિ નિયમોને લઈને કેટલાક કડક કાયદા ઘડવામાં આવ્યા છે. જે જરૂરી હતા. જેનાથી લોકોની સલામતી થોડે ઘણે અંશે વધશે. કાયદામાં કચાશ જરૂર છે પરંતુ આમાંનું ઘણું બધું જરૂરી હતું. લોકો પણ સામે થોડા અણઘડ અને બેજવાબદાર તો છે જ.
ખેર મુદ્દાની વાત કરીએ તો દેશમાં હાલ ઘણા બદલાવ આવી રહ્યા છે. દેશ બદલાઈ રહ્યો છે, કાયદા સુધરી રહ્યા છે, જે ઘણી જ સારી બાબત છે પરંતુ મોદીજી હવે એટલે કે પ્રથમ તો દેશના લોકોને કે જે તેમનો પ્રાથમિક અધિકાર છે તે હવા, પાણી અને ખોરાક ૧૦૦% શુદ્ધ હોય તેવા મળવા જોઈએ. બાકી અત્યારે તો આ ત્રણેય જીવન પોષક તત્ત્વો સાવ દૂષિત, ઝેરી અને બિનઆરોગ્યપ્રદ મળી રહ્યા છે. આ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવે તો માલૂમ પડશે કે કેટલા લોકો આ ત્રણેય ચીજોની શુદ્ધતાના અભાવે મોતને ભેટી રહ્યા છે. તેમ છતાં તેને સુધારવાના કોઇ પણ પ્રયાસો હાથ ધરાતા નથી.
વિશેષમાં આપણે જયારે અહી નકલી દૂધના કારોબારની વાત કરી રહ્યા છીએ ત્યારે તે નોંધવું રહ્યું કે, ભારતમાં રોજનું દૂધ ઉત્પાદન લગભગ ૪૮ કરોડ લિટર જેટલું થાય છે. પરંતુ વસ્તીનું પ્રમાણ જોતા આગામી સમયમાં દૂધની જરૂરિયાત વધીને ૮૦ કરોડ લિટરે પહોચી જશે. ત્યારે તે બાબત પણ વિચારણા માંગી લે છે કે, ભારતમાં દુધાળા ઢોરોની સંખ્યા નથી તેટલી પ્રચંડ માત્રામાં દૂધનું ઉત્પાદન આમ પણ સવાલો પેદા કરનારા છે. શકના ઘેરામાં છે. તેમછતાં તંત્રની કુંભકર્ણ ઊંઘ ઉડતી નથી. દૂધમાં ફેટ લાવવા યુરિયા ખાતર મિલાવવાની ટેકનિક નાના મોટા ડેરીવાળા વર્ષોથી અજમાવતા આવ્યા છે. તેમ છતાં આ બાબતે કોઈ ચાંપતી વ્યવસ્થા ગોઠવાઈ નથી. કેટલાક લેભાગુ અને નાલાયક તત્ત્વો ભગવાનનો જરા પણ ડર રાખ્યા વિના કાયદેસર ૧૦૦ % નકલી દૂધ બનાવતા હોય તેવા પણ અહેવાલો ઘણીવાર સામે આવ્યા છે. ડિટરજન્ટ પાવડર નાખી આ લેભાગુ લોકો લોકોના આરોગ્ય સાથે જાનલેવા ચેડાં કરે છે. આવા લોકોને ભગવાનનો કે પાપ-પુણ્યનો કોઈ ડર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.