દુ:ખદ / ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી, ટ્રસ્ટી સહિત ચારનાં અકસ્માતમાં મૃત્યુ

ગલતેશ્વર તાલુકાના અંબાવ નજીક રવિવારે એક લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી અને ટ્રસ્ટી સહિત કુલ 4 વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં જ્યારે ગંભીર રીતે ઘવાયેલી 1 વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સેવાલિયા અને ઠાસરા પોલીસે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકો સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં પૂનમ ભરીને, શ્રીહરિના દર્શન કરી, ગોધરા પરત જઈ રહ્યા હતા ત્યારે કાળનો કોળિયો બન્યા હતા. અકસ્માત થયા બાદ દાહોદ-અમદાવાદ લક્ઝરી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. હાલમાં સેવાલિયા પોલીસે ચાલકની તપાસ હાથ ધરવામાં આવી છે.સેવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એરબેગ ખૂલવા છતાં 4 લોકો બચી શક્યાં નહીં

ગોધરામાં આવેલા શહેરા ભાગોળ ટાવર મંદિરના કોઠારી અને ટ્રસ્ટી શરદપૂનમ નિમિત્તે વડતાલ મંદિરે દર્શન કરવા રવિવારે સવારે 6 વાગ્યે કાર લઈને નીકળ્યા હતા. વડતાલ દર્શન કરીને તેઓ બપોરે ગોધરા જવા નીકળ્યા હતા. તેઓ ડાકોર-સેવાલિયા રોડ ઉપર અંબાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી લક્ઝરી બસ સાથે કાર અથડાઈ હતી, જેમાં મંદિરના કોઠારી સહિત 4 વ્યક્તિનાં સ્થળ પર જ કમકમાટીભર્યાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 1 વ્યક્તિને ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે આસપાસથી સ્થાનિકો અને વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. સેવાલિયા અને ઠાસરા પોલીસ પણ ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ઘવાયેલા હરિપ્રસાદ શંકરલાલ કા.પટેલ (70)ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં આશ્ચર્યજનક બાબત એ હતી કે, અકસ્માત સર્જાયો તે સમયે કારની સ્પીડ 100થી વધુની હતી. લક્ઝરી સાથે ટક્કર થતાંની સાથે જ ઍરબૅગ ખૂલી હતી, છતાં કારમાં બેઠેલા 4 લોકો બચી શક્યા નહોતા.

કાર લક્ઝરી સાથે અથડાયા બાદ દિશા બદલીને ડાકોર તરફ ફરી ગઈ હતી અને કારનું બોનેટ અને ટોપ તૂટીને પાછળ ડીકી ઉપર પડ્યા હતા. કારનું સ્ટિયરિંગ પણ તૂટી ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.