રાજ્ય સરકાર શિક્ષણની ગુણવતા સુધારવા અને વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ આકર્ષાય તે માટે કન્યા કેળવણી મહોત્સવ, પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજીને કરોડો રૂપિયાના આંધણ કરે છે. પરંતુ વિદ્યાર્થીઓને બેસવા માટે તાતી જરૂરિયાત એવા વર્ગખંડ પણ પૂરતા પ્રમાણમાં ઉભા કરતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓને તડકામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. જેનું ઉદાહરણ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર કાળિયાબીડમાં જોવા મળ્યું છે અને અહીં પૂરતા વર્ગખંડ નહી હોવાથી વિદ્યાર્થીઓને 40 ડિગ્રી તાપમાનમાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
ભાવનગર મહાનગરપાલિકા સંચાલીત શિક્ષણ સમિતિ હસ્તક ભાવનગરમાં કુલ 55 શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં કુલ 26000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મનપા સંચાલીત શાળાઓમાંથી કેટલીક શાળા હજુ પણ ભાડાના મકાનમાં ચાલે છે. અને તેમ છતાં ત્યાં પૂરતા વર્ગ નહીં હોવાથી વિદ્યાર્થીઓને તડકામાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી શાળા નંબર 83 માં ધોરણ 1 થી 8 ના 177 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને અહીં વિદ્યાર્થીઓને બેસવા માટે માત્ર 4 રૂમ છે અને 7 શિક્ષકો છે.
તેમજ અહીં ચાલતી મનપાની શાળા 2010 થી મારુતિ યોગઆશ્રમની જગ્યામાં ભાડેથી ચાલે છે. તેમજ ભાવનગરમાં આ શાળા ઉપરાંત લંબે હનુમાન પાસે આવેલી એક શાળામાં પણ અપૂરતા વર્ગખંડને લઈને વિદ્યાર્થીઓ ખુલ્લામાં સેડ બનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે. તેમજ ભાવનગર માં અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજના દિવસે રૂમોની અછત છે અને શિક્ષકોની પણ અછત છે. ખુલ્લામાં અભ્યાસ કરતા બાળકોના મામલે શિક્ષણ સમિતિના ચેરમનેનો દાવો છે કે આ શાળામાં પ્રાકૃતિક વાતાવરણ બહુ સારું છે. અને વિદ્યાર્થીઓ પ્રફુલ્લિત વાતાવરણમાં અભ્યાસ કરે છે. જો કે તેમણે સંદેશ ચેનલ દ્વારા કરાયેલી જાણના મામલે જણાવ્યું હતું કે આ મામલે શાસનાધિકારીને સ્થળ તપાસ માટે મોકલવામાં આવશે અને હવેથી બાળકોને ખુલ્લામાં બેસાડવાના બદલે 2 પાળીમાં અભ્યાસ શરૂ કરવા સૂચના આપવામાં આવશે. અને ટૂંક જ સમયમાં નવી શાળા માટેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.