ગામડાઓમાં કોરોનાના સંક્રમણને નાથવા સરપંચ સહિતના આગેવાનોને સત્તા આપો

  • કોરોનાના લક્ષણો છતાં 14 દિવસના આઈસોલેશનના ડરથી લોકો જાતે જ સારવાર કરી રહ્યા છે,

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ ભરડો લીધો છે અને અનેક વિસ્તારોમાં કોરોનાની જાણકારીનો અભાવ, અપુરતી આરોગ્યની સુવિધા અને મુખ્યત્વે કોરોનાના હાઉથી એટલા ડરી ગયા છે કે, ગ્રામીણ લોકો ટેસ્ટ કરાવવાને બદલે તાવ, શરદી અને ઉધરસ સહિતના લક્ષણોને આધારે જાતે જ સારવાર લઈને મોતને ભેટી રહ્યાં છે. હાલમાં સ્થાનિક સ્તરે કલેક્ટરની આગેવાનીમાં જિલ્લા-તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ આરોગ્ય વિભાગ સાથે કામગીરી કરી રહ્યાં છે, પરંતુ નાગરિકોને ૧૪ દિવસ એકલા રહેવાની કલ્પનાથી જ એવા ડરી ગયા છે કે, લક્ષણો હોવા છતાં કોરોના થયો છે તેવું સ્વીકારીને સારવાર કરાવવા તૈયાર થતા નથી, પરિણામે રાજ્યભરના ગામડાંઓમાં હજુ પણ કોરોનાનો ચેપ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને નાથવા પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સરપંચોને સત્તા-જવાબદારી સોંપવાની માગણી ઉઠી રહી છે. જો તંત્ર સરપંચોને સાથે રાખીને કોરોનાના ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ કરે તો અનેક લોકો મોતના મુખમાં ધકેલાતા બચી જશે તેવી લાગણી સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કરી છે.

અમદાવાદ સહિત મોટા ભાગના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ઘરે ઘરે માંદગીના અને તેમાંથી મોટાભાગના કેસો કોરોનાના લક્ષણો ધરાવતા છે. એકતરફ સરકાર જોરશોરથી આરોગ્ય વિભાગની ટીમો સઘન કામગીરી બજાવી રહી હોવાનું કહે છે, પરંતુ સ્થાનિક સ્તરે કોરોનાને નાથવા માટેની આ કામગીરીની અસર જોવા મળતી નથી. કારણ કે, તાલુકા-જિલ્લાઓમાં ચૂંટાયેલાં સરપંચ સહિતના હોદ્દેદારોને આ કામગીરીથી દૂર રખાયા છે એમ જણાવતા એક સરપંચે નામ ન લખવાની શરતે જણાવ્યું કે, ગામડાઓમાં સરપંચ સહિતના રાજકીય આગેવાનો-હોદ્દેદારો ગ્રામવાસીઓ સાથે વ્યક્તિગત રીતે ઘરોબો ધરાવતા હોવાથી તેઓ કોરોનાની કામગીરીમાં સક્રિય થાય તો તેના હકારાત્મક પરિણામ મળશે.

આરોગ્ય વિભાગ દ્વારા નિદાન અને સારવારના દાવા કરવામાં આવે છે, અમુક ગામડાંઓમાં સઘન કામગીરી થઈ પણ હશે, પરંતુ હકીકતમાં ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં પુરતી ટેસ્ટિંગ કિટ સહિતની સુવિધા જ નથી. ૫૦૦-૭૦૦ની વસતિ ધરાવતા ગામમાં ૨૫થી ૩૦ ટેસ્ટિંગ કિટ આપવામાં આવે છે! આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ સતત એક વર્ષથી વધુ સમયથી આ કામગીરીમાં રોકાયેલાં હોવાથી સ્થાનિક સ્તરે મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થતાં આરોગ્યની સેવા ખોરંભે પડી છે.

મારું ગામ-કોરોનામુક્ત ગામના સૂત્રને જો સાર્થક કરવું હોય અને ગ્રામીણ પ્રજાને કોરોનાથી બચાવવી હોય તો જિલ્લા સ્તરેથી તંત્રને થતાં આદેશ મુજબની કામગીરીને બદલે પક્ષાપક્ષીથી પર ઉઠીને ચૂંટાયેલાં સરપંચ સહિતના હોદ્દેદારોને સાંકળવા જોઈએ. કલેક્ટર સહિતના અધિકારીઓ સરપંચ સાથે સીધા સંપર્કમાં રહીને કોરોનાની કામગીરી કરશે તો ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતું ઝડપથી અટકાવી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.