એન્કાઉન્ટર બાદ હવે થશે વિકાસ દુબેની સંપત્તિનો હિસાબ, EDએ શરૂ કરી તપાસ.

સ્થાનિક પ્રશાસને વિકાસ દુબેના કિલ્લા જેવા ઘરને પોલીસ ટીમને ઘેરવામાં ઉપયોગમાં લેવાયેલા જેસીબી વડે જ જમીનદોસ્ત કરી દીધેલું

 

ઉત્તર પ્રદેશનો ગેંગસ્ટર વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે અને હવે તેની સંપત્તિની તપાસ કરવામાં આવશે. ઈડીએ વિકાસ દુબેની સંપત્તિની તપાસ શરૂ કરી દીધી છે અને યુપી પોલીસ પાસેથી વિકાસ દુબે અને તેના પરિવારના સદસ્યો, સહયોગિયો ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સહયોગિઓનું વિવરણ માંગ્યું છે. ઈડીએ વિકાસ દુબે વિરૂદ્ધના ગુનાહિત કેસની વર્તમાન સ્થિતિની જાણકારી પણ માંગી છે.

એન્કાઉન્ટર પહેલા કાનપુરના સ્થાનિક પ્રશાસને વિકાસ દુબેના કિલ્લા જેવા ઘરને પોલીસ ટીમને ઘેરવામાં ઉપયોગમાં લેવાયેલા જેસીબી વડે જ જમીનદોસ્ત કરી દીધું હતું. ત્યાર બાદ વિકાસ દુબેની ગાડીઓને પણ જેસીબી વડે કચડી નાખી હતી. વિકાસ દુબેનું એક ઘર લખનૌમાં છે અને પ્રશાસનની નજર તેના પર પણ છે જેથી સંપત્તિઓ અંગેની તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે કાનપુર કાંડનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે ગત 10 જુલાઈના રોજ સવારના સમયે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસના કહેવા પ્રમાણે યુપી એસટીએફની ગાડી વિકાસ દુબેને મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી લઈને કાનપુર આવી રહી હતી તે સમયે વરસાદના કારણે તેજ ગતિએ ભાગી રહેલી ગાડીને અકસ્માત નડ્યો હતો અને કાનપુરમાં એન્ટ્રી પહેલા જ તે પલટી ગઈ હતી.

પોલીસના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં વિકાસ દુબે અને અનેક પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી અને તેમ છતા વિકાસે પોલીસની પકડમાંથી છૂટીને ભાગવા પ્રયત્ન કર્યો હતો. વિકાસ દુબેએ તક ઝડપીને એસટીએફના એક જવાનની પિસ્તોલ છીનવીને ભાગવા પ્રયત્ન કર્યો હતો અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. એસટીએફના કર્મચારીઓએ વિકાસ દુબેને હથિયાર સોંપીને આત્મસમર્પણ કરવા કહ્યું હતું પરંતુ તે માન્યો નહીં એટલે મજબૂરીવશ પોલીસે ગોળી ચલાવવી પડી હતી અને તે માર્યો ગયો હતો.

હવે પોલીસે વિકાસ દુબેના સાગરિતો અને તેની ગેંગના અન્ય સદસ્યોની ધરપકડ ઉપરાંત સંપત્તિઓની તપાસ પણ શરૂ કરી દીધી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.