– બ્રિટનમાં એપ્રિલમાં બેરોજગારીમાં 69 ટકાનો વધારો નોંધાયો
– કોરોના મહામારીને કારણે બંધ થયેલાં મ્યુઝીયમોમાંથી તેર ટકા મ્યુઝીયમો ફરી કદી ખૂલશે નહીં
બ્રિટનમાં કોવિડ-૧૯ મહામારીની લેબર માર્કેટ પર માઠી અસર થતાં એપ્રિલ મહિનામાં બેરોજગારીમાં ૬૯ ટકાનો વધારો થયો હોવાનું યુકેના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ધ ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસટિક્સે જણાવ્યું હતું કે ગયા મહિનાની સરખામણીમાં એપ્રિલ મહિનામાં બેરોજગારી માટેના દાવાની સંખ્યા ૮,૫૬,૦૦૦થી વધીને ૨૧ લાખે પહોંચી હતી. આ આંકડાઓ માત્ર લોકડાઉનના પ્રથમ સપ્તાહને જ આવરી લે છે.
વર્કસ એન્ડ પેન્શન સેક્રેટરી થેરેસે કોફીએ જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં રજા પર ઉતારી દેવામાં આવેલાં કર્મચારીઓને કામ પર ગણવામાં આવ્યા હતા. પણ માર્ચ મહિનાના અંતમાં હોટેલ- રેસ્ટોરાં અને બાંધકામ ક્ષેત્રમાં કામના કલાકોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સરકાર હાલ યુનિવર્સલ ક્રેડિટ હેઠળ સહાય માંગનારા પર તેનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
બીજી તરફ રશિયા, બ્રાઝિલ અને ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાવાને કારણે હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે કોરોના મહામારી હજી પુરી થઇ નથી. એશિયા, યુરોપ અને અમેરિકાના રાજ્યોમાં તેમની ઇકોનોમી શરૂ કરવાના પગલાં વચ્ચે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. સુરક્ષાની નવી સાવચેતીઓ વચ્ચે અમેરીકામાં ઓટો વર્કર્સ, ફ્રેન્ચ શિક્ષકો અને થાઇ મોલ વર્કરો કામે પાછાં ફર્યા છે. રશિયામાં નવા કેસોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે ઉછાળો આવ્યો છે. રશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું સેંટ પિટ્સબર્ગ શહેર કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું છે.
બ્રાઝિલમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતાં હવે તે ત્રીજા ક્રમનો દેશ બની ગયો છે. ભારતમાં પણ કોરોનાનો ચેપ ધરાવતાં દર્દીઓની સંખ્યા એક લાખનો આંક વટાવી ગઇ છે. બ્રાઝિલમાં રિયો દ જાનેરો અને સાઓ પાઉલોમાં આઇસીયુમાં ૮૫ ટકા કરતાં વધારે બેડ ભરાઇ ગયા છે. આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોએરિસમાં આવેલા ગરીબ વિસ્તારોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. ચીલીની રાજધાની સેન્ટિઆગોમાં પણ ૯૦ ટકા આઇસીયુ બેડ ભરાઇ ગયા હોવાના અહેવાલો છે.
બંગલાદેશમાં રમઝાન મહિનાને કારણે લોકોને છૂટ આપવામાં આવી હતી. જાહેર પરિવહન બંધ છે પણ હજારો ગારમેન્ટની ફેકટરીઓ ચાલુ છે. ઇરાનમાં જોકે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
અમેરિકામાં ડેટ્રોઇટ શહેરમાં આવેલી ત્રણ મોટી ઓટો કંપનીઓ ફિયાટ ક્રિસલર, જનરલ મોટર્સ અને ફોર્ડથી માંડી ટોયોટા અને હોન્ડાએ પણ તેમની તેમની ફેકટરીઓ ફરી શરૂ દીધી છે. સાન ફ્રાન્સિસ્કોમાં ટેસલાની ફેકટરી પણ શરૂ દેવામાં આવી છે. ફિયાટ ક્રિસલરના વોરેનમાં આવેલાં પ્લાન્ટની બહાર બેનર લગાડવામાં આવ્યું હતું કે આપણે ફરી શરૂઆત કરીએ અને એકબીજાને સુરક્ષિત રાખીએ. કામ પર ચડેલાં કામદારોએ પણ તેમની સુરક્ષાના પગલાં બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. ડિઝની વર્લ્ડ પણ આ અઠવાડિયે થર્ડ પાર્ટી શોપને ખોલવા દેવાની પરવાનગી આપશે. ફલોરિડામાં વીક એન્ડમાં યોજાયેલી બ્લોક પાર્ટીમાં પોલીસે એકત્ર થયેલાં ૩૦૦૦ લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવાતાં લોકોની ધરપકડ કરતાં લોકો વીફર્યા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો.
કેલિફોનયામાં સૌથી મોટાં કેસિનોને ખોલવામાં આવ્યો હતો પણ બધાને મોં ઢાંકેલા રાખવાની સૂચના આપવામાં આવી હતી. ન્યુ યોર્કના મેયર દ બેલાસિયોએ જણાવ્યું હતું કે જે રીતે હાલ ન્યુ યોર્કમાં સ્થિતિ છે તેમાં જુન પહેલાં કોઇ મોટી છૂટછાટ આપવાનું શક્ય નથી. બેલાસિયોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં અને આઇસીયુમાં બેડની સંખ્યાના મામલે હજી તૈયારીઓ ઓછી પડે છે. પણ મને આશા છે કે જુનના પ્રથમ પખવાડિયામાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે.
બીજી તરફ ઇન્ટરનેશનલ મ્યુઝીયમ ડે નિમિત્તે યુનેસ્કોએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે દુનિયામાં ૯૦ ટકા અથવા ૮૫,૦૦૦ કરતાં વધારે સંસ્થાઓ બંધ કરવી પડી છે. આમાંથી તેર ટકા સંસ્થાઓ ફરી કદી ખૂલશે નહી. કોવિડ-૧૯ મહામારીની મ્યુઝીયમ પર પડેલી અસરો વિશે બે અભ્યાસ રજૂ કરવામાં આવયા હતા. આઇકોમ દ્વારા કરવામાં આવેલાં અભ્યાસમાં જણાવાયું હતું કે સંગ્રહસ્થાનોમાં મુલાકાતીઓ નહીં હોય તો તેમની આવક પર અવળી અસર પડશે. જાહેર અને ખાનગી ક્ષેત્રના સહયોગ વિના મ્યુઝીયમો આપમેળે ટકી શકે તેમ નથી. યુનસ્કોએ દર્શાવ્યું હતું કે ૨૦૧૨થી મ્યુઝીયમોની સંખ્યામાં
૬૦ ટકાનો એટલે કે આશરે ૯૫,૦૦૦ સંસ્થાનો વધારો થયો છે જે દર્શાવે છે કે નેશનલ કલ્ચરલ પોલીસીમાં તેમનું મહત્વ વધ્યું છે. યુનેસ્કોના વડાએ જણાવ્યું હતું કે આ મહામારી એ બાબતનું પણ આપણને ભાન કરાવ્યું છે કે અડધી માનવજાત પાસે ડિજિટલ ટેકનોલોજી પહોંચી નથી. યુરોપમાં વિવિધ દેશોએ જો કે મ્યુઝીયમો ખોલવા પર ભાર મુક્યો છે. એથેન્સમાં એક્રોપોલિસ અને બેલ્જિયમમાં મ્યુઝીયમોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.