વાઇબ્રન્ટ તો મોકૂફ પણ તે પહેલા સરકારે કરી દીધું 50,00,00,000 રૂપિયાનો ધુમાડો

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ, પતંગ મહોત્સવ અને ફ્લાવર શો ને રદ્દ કરવામાં આવ્યા છે પરંતુ તેની તૈયારી કરવામાં સરકારને 50 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને આ ખર્ચ કોના ઇશારે થયો છે તે પણ એક મોટો પ્રશ્ન છે. રાજ્યમાં જ્યારે ઓમિક્રોનનો કેસ આવ્યો ત્યારે અને કેસોની સંખ્યા 100ને પાર થઇ ત્યારે આ તમામ સરકારી ઉજવણીઓ બંધ કરવાની આવશ્યકતા હતી છતાં સરકારે તેને ચાલુ રાખી હતી પરિણામે લોકોના રૂપિયા ડૂબ્યાં છે અને જે અટકાવી શકાયા હોત.

દેશ અને દુનિયામાં જે રીતે કોરોનાના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા હતા તે જોતા સરકાર અને સરકારના ઉપરી અધિકારીઓ પણ ગુજરાતમાં કોરાનાના કેસ વધશે તેનાથી ખુબ સારી રીતે વાકેફ હતા તો આ મહોત્સવોની તૈયારી શા માટે કરવામાં આવી તેવો સવાલ પૂછાઇ રહ્યો છે જેનો સરકારના મંત્રી કે કોઇ અધિકારી પાસે જવાબ નથી.

ગુજરાતમાં વાયબન્ટની તૈયારી છેલ્લા બે મહિનાથી ચાલતી હતી. અધિકારી અને મંત્રીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યા છે. ગાંધીનગરને શણગારવામાં અને બીજા કોન્ટ્રાક્ટ આપવામાં સરકારને 50 કરોડ રૂપિયાનું આંધણ થયું છે જે વ્યર્થ ગયું છે, કારણ કે જે હેતુ માટે આ ખર્ચ કરવામાં આવ્યો હતો અને તે હેતુ સર્યો નથી. સરકારના અધિકારીઓ તેમજ કર્મચારીઓના કલાકો અને દિવસો વેડફાઇ ચૂક્યાં છે.

સરકારે રાજ્યના નાગરિકોના હિતમાં આગામી 10થી 12 જાન્યુઆરીએ યોજનારી વાયબ્રન્ટ સમિટને મોફૂક રાખી છે. આ સમિટ થઇ હોત તો તેનો કુલ ખર્ચ 150 કરોડ થવાનો હતો જે પૈકી સરકારે 50 કરોડ તો ખર્ચી નાંખ્યા છે. વાયબ્રન્ટ સમિટની જેમ પતંગ મહોત્સવ અને ફલાવર શોની તૈયારી પાછળ પણ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સરકારને પહેલાથી જ ખબર હતી કે જે રીતે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે રીતે ગુજરાતમાં પણ કોરોનાના અને ઓમિક્રોનના કેસ વધુ શકે છે તેમ છતાં રાજય સરકારે વાયબ્રન્ટ સમિટ,કાઇટ ફેસ્ટીવલ અને ફલાવર શો યોજવા માટે તૈયારીઓ કરી અને પ્રજાની પરસેવાની કમાણીના અબજો રૂપિયા પાણીમાં ડૂબાડ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.