EXCLUSIVE – આ પહેલા બે પૂર્વ મુખ્યમંત્રીઓનો પણ ત્રીજો પક્ષ ફાવ્યો નથી, આપ ચિત્રમાં જ નથી અને ભાજપથી લોકો ત્રાહીમામ છે – ધારાસભ્ય ચંદનજી ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે ચૂંટણીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ નેતાઓ દ્વારા થઈ રહ્યા છે તેવામાં 27 વર્ષથી બે પક્ષ વચ્ચે ચૂંટણીનો મોટો જંગ થતો આવ્યો છે ત્યારે આ વખતે ત્રિ પાંખિયા ચૂંટણી લડાશે. ત્યારે કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આમ આદમી પાર્ટી અને બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે, આ પહેલા બે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ અને કેશુબાપાનો પણ ત્રીજો પક્ષ ફાવ્યો નહોતો, આપ તો ચિત્રમાં જ નથી અને ભાજપથી લોકો ત્રાહીમામ છે તેમ કહી, કોંગ્રેસ સત્તા પર આવશે તેઓ મત વ્યક્ત કર્યો હતો.

સિદ્ધપુર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચંદનજી ઠાકોર આ સીટ પરથી જીત્યા હતા. તેમની સામે ભાજપ પક્ષથી જય નારાયણ વ્યાસની હાર થઈ હતી. સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં થયેલા સીમાંકનના કારણે આ વિધાનસભામાં કોંગ્રેસ સમર્થિત ગામોનું સિદ્ધપુર વિધાનસભામાં જોડાણ થયું. જેના કારણે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસને કારમી હાર મળી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રસ્તુત છે ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો એક્સ્ક્લુઝિવ ઈન્ટરવ્યૂ.

પ્રશ્ન. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે ત્યારે સિદ્ધપુર મત વિસ્તારમાં તમારા માટે કેવા પડકારો રહેશે?

ધારાસભ્ય ચંદનજી ઠાકોર – પહેલા તો આમ આદમી પાર્ટી કોઈ ચિત્રમાં જ નથી. આપ પાર્ટી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા પોતાનો પક્ષ લઈને આવ્યા, પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાનો પણ પક્ષ હતો. અલગ અલગ પાર્ટીઓ આવી પરંતુ ગુજરાતની સાણી પ્રજાએ ત્રીજા પક્ષને સ્વિકાર્યો જ નથી. આમ આદમી પાર્ટી કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાં ચાલે નહીં. આપ પાર્ટીનો કોઈ ચહેરો જ નથી.

પ્રશ્ન – આપ પાર્ટીના આવવાથી શું મતોનું ધ્રુવીકરણ થશે?

ધારાસભ્ય ચંદનજી ઠાકોર – મતોનું ધ્રુવીકરણ આમ આદમી પાર્ટીથી થાય જ નહીં. ભારતીય જનતા પાર્ટીથી નાગરીકો, વેપારીઓ, બેરોજગાર યુવાન નારાજ છે. ગૃહીણીઓને રુ. 1200નો સિલીન્ડર પડે છે. ભાજપથી ત્રસ્ત થયેલી પ્રજા આ વખતે 2022માં કોંગ્રેસના પંજાને પસંદ કરશે અને ગુજરાતની અંદર કોંગ્રેસનું સ્થાપન કરશે એ વિશ્વાસ સાથે કહું છું.

પ્રશ્ન – રેવડીનો મુદ્દો આ વખતે રાજકીય ક્ષેત્રે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ત્યારે તમામ ધારાસભ્યોને સરકારી કેટલીક ફ્રી સુવિધા મળી રહી છે આ મુદ્દાને કઈ દ્રષ્ટીએ જૂઓ છો?

ધારાસભ્ય ચંદનજી ઠાકોર – રેવડીનો મુદ્દો કોને ચલાવ્યો, રેવડી શું છે, કોને લાગું પડે છે એ કોણ બોલે છે એ એક બીજાના વિષયની વાત છે. ધારાસભ્યોને પગાર ભથ્થા મળતા હોય છે. ધારાસભ્યોને રોજના 100-150 જેટલા ગામો ફરવાના હોય છે અનેક પ્રવૃત્તિઓ દિવસ દરમિયાન ચાલે છે. ભથ્થા પેટે જે પૈસા મળે છે એ સરકારમાં આજના કે ગઈકાલના નથી મળતા, જે દિવસથી વિધાનસભાની રચના થઈ એ સમયથી મળતા આવે છે.

પ્રશ્ન – ગુજરાતમાં સરકારી આંકડા મુજબ 3.46 લાખ યુવાનો બેરોજગાર છે, સતત સરકારી પરીક્ષાના પેપરો ફૂટ્યા, યુવાનોની સરકાર સામે નારાજગી છે ત્યારે ચૂંટણી પહેલા આ મતદારો કોના તરફી ઝૂકાવ રાખશે?

ધારાસભ્ય ચંદનજી ઠાકોર – બીજેપીની સામે યુવાનોની ભારે નારાજગી છે. રાહુલજીએ પડકાર ફેંક્યો છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ગુજરાતના યુવાનો બેકાર અને બેઘર બની રહ્યા છે તેમના પેપર નહીં નશીબ ફૂટી રહ્યા છે. આ સંદેશાને સમગ્ર ગુજરાતના યુવાન ફોલો કરે છે. નવા અને જૂના મતદારો ઉમેરાયા છે તે પણ બીજેપીથી નારાજ છે. કોંગ્રેસ પાર્ટીમાં આ વખતે યુવાનો મતદાન કરવા જઈ રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. અમે બેરોજગાર 10 લાખથી વધુ યુવાનોને નોકરી આપવાના છીએ અને જેને પેપરો ફોડ્યા તેમણે વિદ્યાર્થીઓના નશીબ ફોડ્યા છે તેવા લોકોને શોધીને જેલમાં પણ પુરીશું એવો અમારો સંકલ્પ છે.

પ્રશ્ન – સિદ્ધપુર તમારા મત વિસ્તારમાં રોડ રસ્તા, રખડતા પશુઓના પ્રશ્નો છે તેને લઈને મતદારો નારાજ છે આ વખતે આ પ્રશ્ન સામે કયા પ્રકારના કામો તમે કરશો?

ધારાસભ્ય ચંદનજી ઠાકોર – 27 વર્ષથી ભાજપનું શાસન ગુજરાતમાં ચાલે છે. સિદ્ધપુરમાં કોંગ્રેસના શાસનમાં અમે પણ ગૌચરો આપ્યા હતા. કોંગ્રેસના શાસનમાં 1 હજાર વીઘાના ગૌચર એટલે અપાતા હતા કેમ કે, કોઈ ગાય માતા કે પશુને રખડતા મૂકી જાય તેના માટે ઘાસચારો મળી રહેતો હતો. બીજેપીએ ઉદ્યોગપતીને શું કરવા ગૌચરો વેચી દીધા. બીજેપીની સરકારે 1 રુપિયાના ટોકન ભાવથી ગૌચરો વેચી દીધા. ગામમાં અને ગૌચરોમાં સહારો નથી મળતો ત્યારે આજે ગૌ માતા શહેરમાં એંઠવાડ, કાગળો  ખાવા મજબૂર છે. લમ્પી રોગનો શિકારથી ગાયો મરી રહી છે. બીજેપીએ ગૌમાતાના નામે મતો ખાધા પરંતુ કોઈ વ્યવસ્થા ગૌ માતા માટે નથી કરી. તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોંગ્રેસે હંમેશા લોકોની મદદ કરી છે.

પ્રશ્ન – આપ આ વિસ્તારના ધારાસભ્યો છો, ભાજપે આ પ્રશ્નો સામે જે કર્યું હોય તે પરંતુ તમે શું કર્યું? હવે શું કરશો?

ધારાસભ્ય ચંદનજી ઠાકોર – ગૌચર માટે વિધાનસભામાં હજારો વાર અમે લડ્યા. અમારા પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર, રાહુલ ગાંધી આ પ્રશ્નો સામે લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ખરાબ મનસાના કારણે ગૌચરો ક્યાંય ખુલ્લા કરાતા નથી. સિદ્ધપુરમાં ગૌચર દબાણમાં છે. રહી રોડ રસ્તાની વાત તો આ વિસ્તારમાં તમે ગાડી લઈને નિકળો મારાથી તમામ બનતા પ્રયત્નો કરી રોડ રસ્તા બનાવ્યા છે. લોકોની માંગણી નવા રસ્તાઓ બનાવવાની છે એમાં પણ જોબ નંબરો મેં કેટલાક આપ્યા છે. આર એન્ડ બી સ્ટેટમાંથીટ 10 કરોડ કે 5 કરોડ કે 1 કરોડ ડામર માટે વાપરવાની ગ્રાન્ટ પરત મોકલવી પડે એટલી મારી પાસે જોગવાઈ છે. આજે પણ મીડિયાના માધ્યમથી કહું છું જ્યાં ખાડા દેખાય ત્યાં 24 કલાકમાં રોડ બનાવવાની ખાતરી આપું છું.

પ્રશ્ન – હાલની રાજનિતીમાં પ્રથમ વખત શિક્ષણનો મુદ્દો ઉમેરાયો છે, તમારા વિસ્તારમાં શિક્ષણનું સ્તર કેવું છે, 5 વર્ષમાં તમે કયા કામો કર્યા?

ધારાસભ્ય ચંદનજી ઠાકોર – શા કારણે બીજેપીએ 6,500 શાળાઓ બંધ કરી તેમજ શા માટે પરા વિસ્તારની શાળાઓ બીજેપીએ બંધ કરાવી છે. શેના માટે ભારતીય જનતા પાર્ટી પોતાને મન ફાવે તેમ વિધાનસભામાં કાયદાઓ પસાર કરે છે. બેકારીનો દોર વધી રહ્યો છે. ગુજરાત જ નહીં સિદ્ધપુરની પ્રજાનું શોષણ થઈ રહ્યું છે. ફૂલપુરાની શાળામાં સુધારણા માટે મે માંગણીઓ કરી, શાળા માટે મે ચર્ચા કરી પરંતુ ચોમાસામાં શાળા ડૂબમાં જાય છે.  બીજેપીની મનસા ખરાબ હોવાના કારણે મારી શાળા બનાવી શકતા નથી. માંગ પ્રમાણે કામ નથી થતા. શિક્ષણમંત્રી જીતુવાઘાણીએ 20 લાખ કરોડની લોન લીધી તેમાંથી ઓરડાઓ મંજૂર કર્યા છે. જેમાંથી મેં 96 ઓરડાઓ મંજૂર કરાવ્યા છે પરંતુ ફૂલપુરાની પ્રાથમિક શાળા પાણીમાં ગળાડૂબ થાય છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ભણવા માટે જાય તેનો વિચાર નથી કરતા. શિક્ષણના નામે ભારતીય જનતા ક્યારેય વિચાર નથી કરતી. શિક્ષણના નામે ધતિંગ ચાલે છે. અમારી સરકાર બનશે તો 3000 અંગ્રેજી માધ્યમની શાળા બનાવીશું. આખા ગુજરાતમાં આ શાળા બનશે. 500 રુ.માં ગેસ સિલીન્ડર આપીશું. ખેડૂતોનું 3 લાખ દેવું માફ કરવાના છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.