અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાંથી ચાલતાં ખંડણી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અને જેલમાં બંધ કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી પાસેથી મોબાઈલ સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. જે બાદ પહેલેથી બદનામ સાબરમતી જેલ વધુ બદનામ થઈ ગઈ છે. આટ આટલી ફજેતી થવા છતાં પણ જેલનાં પોલીસકર્મી સુધરવાનું નામ નથી લઈ રહ્યા. સાબરમતી જેલમાં જડતી સ્ક્વોડે મોબાઈલ અને તંબાકુની પડીકી સહિત લાઈટર જપ્ત કર્યા છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં બડા ચક્કરમાં પાકા કામના કેદી ઇમામમિયાં સૈયદનું જેલના કર્મચારીઓએ ચેકિંગ કરતા તેની પાસેથી 20 તમાકુની પડીકીઓ તેમજ 2 લાઈટર મળી આવ્યા હતા. આ બાબતે તેની પૂછપરછ કરતાં જેલમાં બડા ચક્કરમાં પાંચ ખોલીમાં ફરજ બજાવતાં જેલ સહાયક જગદીશ પ્રજાપતિએ તેને આપ્યું હતું. અને પાકા કામના કેદી મેહુલ જયંતીભાઈ પ્રજાપતિને પહોંચાડવા માટે કહ્યું હતું.
ઉપરાંત સાબરમતી જેલના શાંતિનિકેતન યાર્ડમાં ટોયલેટની બારી પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેલ જડતી સ્ક્વોડે જેલમાં તપાસ કરતા બેરેક નંબર 6ના ટોયલેટના બારીમાં એક મોબાઈલ મળી આવ્યો હતો. જે બાબતે કેદીઓની પૂછપરછ કરતા કોઈ જાણકારી મળી ન હતી.
આમ સાબરમતી જેલમાં જેલના જ કર્મચારીઓ જ કેદીઓને જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ લાવીને આપી હોવાનું બહાર આવ્યું છે. જેલમાં બડા ચક્કરમાં પાક કામના કેદીને જેલ સહાયક જગદીશ પ્રજાપતિએ તમાકુની પડીકીઓ અને લાઈટર લાવીને આપ્યા હતા. જેને લઈ બે કેદી અને જેલ સહાયક સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.