અમદાવાદમાં મહાઅભિયાનનો ફિયાસ્કો.. રવિવારે માંડ ૨૦ હજાર અમદાવાદીઓને રસી મળી..

કોરોનાને નાથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરેલા રસીકરણ મહાઅભિયાનનો ફિયાસ્કો થયો છે. મોટાભાગના કેંદ્રો પર રસી ન હોવાના પાટિયા જોવા મળ્યા હતા.શહેરમાં કોરોના વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયાના ગણતરીના દિવસોમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના રસીકરણ કેંદ્રો પર રસીનો સ્ટોક ખૂટી પડ્યો હતો. જેના કારણે મોટાભાગનાં રસીકરણ કેંદ્રોની બહાર વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે તેવી સૂચનાવાળા પાટિયા મૂકવાની ફરજ પડી હતી.

કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોના વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે કેંદ્ર અને રાજ્ય સરકાર તરફથી વેક્સિનનો જથ્થો પૂરો પાડવાનો હતો. પરંતુ કોઈ કારણોસર વેક્સિનનો જથ્થો નહીં મળતા બે દિવસથી જુદા-જુદા સેન્ટરો ખાતે કોરોનાની રસી લેવા આવતાં લોકોને ધરમધક્કો પડી રહ્યો છે. પરિણામે લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સામે રોષ ઠાલવી રહ્યા છે.

શનિવાર અને રવિવારે રજા હોવાથી તેનો સદુપયોગ કરી લોકોએ રસી લેવા આતુર હતા પરંતુ શનિવારે મોટાભાગના વેક્સિનેશન સેન્ટરો બહાર રસી નથી તેવા બોર્ડ લગાવી દેવાયા હતા. આ જ રીતે રવિવારે પણ જુદા-જુદા સેન્ટરો પર ’18થી 45 વર્ષના નાગરિકો માટે રસીકરણ બંધ છે’, ‘આકસ્મિક કારણોસર રસીકરણ બંધ છે’, ‘આજે 45થી વધુ વયનાંને કોવેક્સીન અપાશે’, ‘કોવિશિલ્ડ રસીનો પહેલો કે બીજો ડોઝ આપવાનું હાલ બંધ રાખવામાં આવ્યું છે’, તેવી જાતજાતની સૂચનાઓ જોઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

ટાગોર હોલ ખાતે રસી લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને કોર્પોરેશન સામે જાતજાતના આક્ષેપો કર્યા હતા. ટાગોર હોલમાં પાછલા બારણેથી વગદાર લોકોને કોરોનાની રસી અપાઈ રહી હોવાનો આક્ષેપ થતાં મામલો બિચક્યો હતો. લોકોનો રોષ જોઈને રસીકરણ કેંદ્ર પર ફરજ બજાવતા કર્મચારીઓ ભયભીત થયા હતા અને પોલીસ બોલાવાની ફરજ પડી હતી. પોલીસે રોષે ભરાયેલા નાગરિકોને માંડ માંડ સમજાવીને શાંત કર્યા હતા.

https://www.youtube.com/watch?v=Gx5Ku-AbiTQ&t=14s

દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસ ડૉ. ભાવિન સોલંકીએ સ્વીકાર્યું હતું કે, આરોગ્ય વિભાગ પાસે કોરોનાની રસીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં નથી તેમ છતાં રવિવારે જુદા-જુદા સેન્ટર ખાતે 11,817 પુરુષો અને 8,341 મહિલાઓ મળીને કુલ 20,185 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.આ સિવાય સામાન્ય નાગરિકોને કોરોનાનો ચેપ ના લાગે તે માટે વેપારીઓ, શાકભાજી-ફળફળાદિનાં ફેરિયા, પાથરણાવાળા વગેરેને વેક્સિન આપવાના અભિયાન અંતર્ગત રવિવારે સાતેય ઝોનના 307 સુપરસ્પ્રેડર્સને વેક્સિન આપવામાં આવી હતી, તેમ હેલ્થ ઓફિસરે જણાવ્યું છે. આ ઉપરાંત એકાદ-બે દિવસમાં કોરોનાની રસીનો પૂરતો જથ્થો આવી જશે તેમ ઉપરથી જાણવા મળ્યું છે અને ત્યારબાદ પૂરજોશમાં વેક્સિનેશન મહાઅભિયાનને આગળ ધપાવાશે, તેમ અધિકારીએ ઉમેર્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.