અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ, પોલીસ દ્વારા 9ની અટકાયત

અમદાવાદમાં દિવસે દિવસે ક્રાઇમ ઘટવાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે. એક તરફ સરકારના ગુજરાત સુરક્ષિતના દાવા વચ્ચે આજે અમદાવાદમાં સરેઆમ ફાયરિંગની ઘટના બની હતી. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ આ રીતે સરેઆમ ફાયરિગની ઘટનાથી શહેરના લોકોમાં ફફડાટ ઉભો થઇ જાય છે. આજે શહેરમાં બોલાચાલી બાદ મારામારી થઇ હતી અને ત્યાર બાદ ફાયરિંગ થયું હતું.

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના બનતા તે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની મળતી માહતી મુજબ ચાંદલોડિયામાં આવેલા રુધર્મ કોમ્પ્લેક્ષમાં 2 દુકાનોના માલિકો વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી ઉગ્ર બની હતી જેમાં ડોક્ટરને ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ ઘટનાની વિગત મુજબ ડૉક્ટરના નવા બની રહેલા ક્લિનિકમાં ફર્નિચર કામ ચાલતું હતું ત્યારે બાજુમાં આવેલી દુકાનમાં લાકડા મુકવામાં આવ્યા હતા અને આ બાબતે બાજુની દુકાનના માલિકે ત્યાં આવીને ડોક્ટર સાથે ઝઘડો કર્યો હતો. આ બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી જેમાં ડોક્ટરની બાજુની દુકાનના માલિકે 7થી 8 લોકોને ભેગા કરીને ડોક્ટરને ઢોર માર માર્યો હતો.

આ મારામારી વચ્ચે ડોક્ટરના પિતાએ એક રાઉન્ડ ફાયરિંગ હવામાં કર્યું હતું. ફાયરિંગ કરનાર સતીષ યાદવ સિક્યુરિટી એજન્સી ચલાવે છે. સોલા પોલીસને જાણ થતા આ મામલે ફરિયાદ નોંધી અને ડૉક્ટરના પિતા સહીત 8 લોકોની અટકાયત કરી હતી. ઈજાગ્રસ્ત ડૉક્ટરને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.