વેરાવળ-કોડીનાર હાઈવે પર અબોલ પશુઓની તસ્કરી થઈ રહી હોવાની બાતમીના આધારે વોચમાં રહેલા પ્રભાસ પાટણ પોલીસ સ્ટાફે સોમનાથ બાયપાસ નજીક હીરણ નદીના પુલ પાસેથી એક બોલેરો કારમાં કતલ કરવાના ઇરાદે ત્રાસદાયક રીતે બાંધેલાં પાંચ અબોલ પશુઓને મુક્ત કરાવ્યાં હતાં.અને પોલીસે બોલેરોના ચાલક સહીત ત્રણ શખ્સોની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અને નોંધનીય છે કે સોમનાથ પંથકમાં પોલીસની કડકાઈ છતાં અબોલ પશુઓની તસ્કરી થઈ રહી હોવાથી પશુ પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે.
આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાંથી મળતી વિગત અનુસાર વેરાવળ-કોડીનાર હાઈવે પર કાજલી ગામ પાસેથી એક વાહનમાં અબોલ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યાની પોલીસ સ્ટાફના હેમતભાઇ સોલંકીને બાતમી મળી હતી અને જેના આધારે પોલીસ ટીમે હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાયપાસ નજીક આવેલી હીરણ નદીના પુલ પાસેથી એક બોલેરો પીકઅપ વાન કાર નં. જી.જે. 32 ટી. 7290 પસાર થતાં તેને શંકાના આધારે રોકી તલાશી લેવામાં આવી હતી. ત્યારે બોલેરોમાં બે ભેંસ, બે પાડા અને એક પાડી મળી કુલ પાંચ અબોલ પશુઓને ત્રાસદાયક રીતે ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધેલા હતા.
જેથી પાંચેય અબોલ પશુઓને મુક્ત કરાવી પોલીસે બોલેરોના ચાલક ગીગા જેઠાભાઇ બારડ તથા તેની સાથે રહેલા અજીમખાન રસુલખાન બ્લોચ અને અજય સોમાભાઇ મંદુરીયાની અટકાયત કરી કડક પુછપરછ હાથ ધરી હતી. જેમાં ત્રણેય લોકોએ કોડીનાર બાજુથી પાંચેય અબોલ પશુઓને લઇ આવી પ્રભાસ પાટણમાં રહેતા તોસીફ યુસુફ બુરજાને કતલ કરવા માટે આપવાના હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ તથા પ્રભાસ પાટણનો તોસિફ મળી ચારેય સામે પશુ અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરીને તોસીફને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં અબોલ પશુઓની અવિરત તસ્કરી થઈ રહી હોવાથી પોલીસ પણ સક્રીય રહી પશુઓની તસ્કરી કરતા શખ્સોને ઝડપવાની કડક કાર્યવાહી કરી રહી છે.અને તેમ છતાં યેનકેન કારણોસર પશુઓની તસ્કરી અને કતલખાને ધકેલવાની પ્રવૃત્તિ બંધ ન થતી હોવાથી પશુપ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.