વૈભવી ગાડીઓમાં રોફ મારી ફરનારા નકલી પીએસઆઇનો આ રીતે ફૂટ્યો ભાંડો, સસરાને પણ પાંચ વર્ષે ખબર પડતા ચોંકી ગયા
ઘણીવાર ઘણા લોકો નકલી પોલીસના ચક્કરમાં ફસાઈ જાય છે અને આવા નકલી પોલીસ લોકો પાસેથી પૈસા પણ ખંખેરી લેતા હોય છે, આવી નકલી પોલીસ ક્યારેક તો પોલીસના હાથમાં આવી જ જતી હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો હાલ અમદાવામાંથી સામે આવ્યો છે, જ્યાં એક નકલી પીએસઆઇને ઝડપી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ રામોલ પોલીસ દ્વારા નકલી પીએસઆઇ બનીને ફરતા જગતસિંહ બિહોલા નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. મળેલ માહિતી અનુસાર જગતસિંહ પોલીસ ઇન્સ્પેકટર બનવા માંગતો હતો પરંતુ તેનું આ સપનું પૂર્ણ ના થઇ શક્યું જેના કારણે તે નકલી પીએસઆઇ બનીને વૈભવી ગાડીઓમાં ફરી રહ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે રામોલ પોલીસ વાહન ચેકીંગ હાથ ધરી રહી હતી ત્યારે આરોપીના સસરાનું વાહન ચેક કરવા દરમિયાન તેમને જણાવ્યું કે તેમના જમાઈ પીએસઆઇ છે અને થોડીવારમાં જ તે અહીંયા આવશે. થોડીવારમાં જ તેમનો જમાઈ એક વૈભવી કાર લઈને પોલીસ યુનિફોર્મમાં ત્યાં આવી પહોંચ્યો અને પોતે પીએસઆઇ છે એમ કરીને રોફ જમાવવા લાગ્યો.
થોડી જ વારમાં ત્યાં અસલી પોલીસ પણ આવી ચઢી અને ત્યારબાદ નકલી પીએસઆઇ જગતસિંહની અસલી પોલીસે ધરપકડ કરી લીધી હતી. મહત્વની વાત તો એ છે કે આ બાબતથી તેના સસરા પણ અજાણ હતા. તેના લગ્નને પણ પાંચ વર્ષ થઇ ગયા છે.
આરોપીએ લગ્ન પહેલા જણાવ્યું હતું કે તે પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે અને તે સસ્પેન્ડ થયો છે. તે લુણાવાડા ખાતે ફરજ બજાવી રહ્યો છે એમ પણ જણાવ્યું હતું. પરંતુ અસલમાં આરોપી જગતસિંહ ઓએનજીસી બેરલ લાઇન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.
પોલીસ તપાસમાં એ પણ જણાવા મળ્યું કે આરોપી બીએ. વિથ અંગ્રેજી ગ્રેજ્યુએટ છે અને તે પીએસઆઇ બનવા માંગતો હોવાના કારણે 5 વાર પીએસઆઇની પરીક્ષા પણ આપી ચુક્યો છે, પરંતુ તેમાં પણ તે પાસ ના થયો હોવાના કારણે પીએસઆઇનો યુનોફોર્મ સિવડાવી નકલી પીએસઆઇ બની બેઠો હતો.
આરોપી જગતસિંહની બાજુમાં જ એક ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પણ રહે છે, તેને પણ આરોપીએ જણાવ્યું હતું કે તે પહેલા રેલવેમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હતો પરંતુ ત્યાંથી તે સસ્પેન્ડ થયો છે અને હાલ તેને લુણાવાડામાં મુકવામાં આવ્યો છે, જેના કારણે તે કોન્સ્ટેબલ પણ આરોપીને સલામ મારતો હતો. આસપાસના આડોશી પાડોશીઓને પણ એવી જ જાણ હતી કે તે પીએસઆઇ છે. પરંતુ હાલ તેનો ભાંડો ફૂટી ગયો છે. અને તેની ધરપકડ કરવામાં આવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.