ફોરેન્સિક રિપોર્ટ આવતાં રિયાના વકીલ બોલ્યા સુશાંતના પરિવારે રિયાની જિંદગી બરબાદ કરી નાખી

હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની હત્યા થઇ નથી એવું AIIMSના ફોરેન્સિક રિપોર્ટમાં જણાવાયા બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તીના વકીલે એવો આક્ષેપ કર્યો હતો કે સુશાંતના કુટુંબીજનોએ આ યુવતીની જિદંગી બરબાદ કરી નાખી.

આ વર્ષના જૂનની 14મીએ સુશાંતનો મૃતદેહ એના ઘરમાં સિલિંગ ફેન પર લટકતો મળ્યો ત્યારથી એણે આપઘાત કર્યો હતો કે હત્યા થઇ હતી એની ચર્ચા શરૂ થઇ હતી. મુંબઇ પોલીસની તપાસ યોગ્ય દિશામાં નથી થતી એવું કહીને બિહાર પોલીસે ઝંપલાવ્યું હતું. મિડિયામાં સતત એવા આક્ષેપ થતા હતા કે સુશાંતના અકાળ મૃત્યુમાં એની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીનો હાથ છે. રિયા એને ડ્રગ આપતી હતી. રિયાએ એના બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની હેરફેર કરી હતી.

ભાજપના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ ડઝનબંધ કહેવાતા પુરાવા રજૂ કરીને સુશાંતની હત્યાજ થઇ હોવાનો દાવો કર્યો હતો. આ મુદ્દે મહારાષ્ટ્ર, બિહાર અને અભિનેત્રી કંગના રનૌતે કરેલા આક્ષેપના પગલે ત્રણ રાજ્યોની સરકાર સામસામે આવી ગઇ હતી. મુંબઇ પોલીસ અને બિહાર પોલીસ પછી સુપ્રીમ કોર્ટની સલાહથી આ કેસની તપાસ સીબીઆઇને સોંપાઇ હતી. દરમિયાન મુંબઇની કૂપર હૉસ્પિટલના રિપોર્ટ પર શંકા કરીને AIIMSને ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ હતી.

હવે ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો અને સુશાંતની હત્યા થઇ હોવાનો કોઇ પુરાવો મળ્યો નથી એવી AIIMSની જાહેરાત પછી રિયાના વકીલે સુશાંતના પરિવાર પર એવો આક્ષેપ કર્યો હતો કે આ લોકોએ રિયાની જિંદગી બરબાદ કરી નાખી. રિયા બદનામ થઇ ગઇ. હવે એ જુદા જુદા આક્ષેપમાં નિર્દોષ પુરવાર થાય તો પણ એના પર લાગેલું કલંક દૂર થશે નહીં.  રિયાનું ભાવિ અંધકારમય થઇ ગયું. એની કારકિર્દીને ધક્કો પહોંચ્યો. એની જવાબદારી કોની ?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.