GADનો ઠરાવ રદ કરવા મુદ્દે મહિલા આંદોલનકર્તાઓએ કર્યો અન્નજળનો તયાગ

LRD ભરતી સંદર્ભે હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં બુધવારે મુદ્દત પડી હતી. કાયદા અને ગૃહ વિભાગના સેક્રેટરીઓ તરફથી આ અંગે કેબિનેટને માહિતી આપવામાં આપવા સરકારે હાશકારો અનુભવ્યો હતો. જો કે, ૩૩ ટકા મહિલા અનામતની નવેસરથી ગણતરી કરતા ઉપરોક્ત ઠરાવ સંદર્ભે વિવિધ વિભાગો વચ્ચે મડાગાંઠ યથાવત છે, તેને રદ કરવાની માંગણી સાથે છેલ્લા ૪૩ દિવસથી આંદોલન કરી રહેલી મહિલા આંદોલનકારીઓએ અન્નજળનો ત્યાગ કરતા સરકાર બરોબરની ભીંસમાં મુકાઈ છે.

સરકારી ભરતીઓમાં ૩૩ ટકા મહિલા અનામતની પ્રક્રિયા સુચવતા ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવ સંદર્ભે સોમવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈલેવલ બેઠક મળી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ, GADના સેક્રેટરીઓની આ બેઠકમાં ઠરાવને કારણે ય્ઁSCની ક્લાસ વન- ટુ, પોલીસ ઈન્સપેક્ટર અને ગૃહ વિભાગની લોકરક્ષકની ભરતી પ્રક્રિયામાં હાઈકોર્ટમાં થયેલી અનેક પિટિશનો સંદર્ભે કાયદાકિય અને બંધારણના નિષ્ણાતોના અભિપ્રાયો સંદર્ભે છણાવટ થઈ હતી. જો કે, હજુ સુધી આ બાબતે સરકાર કોઈ નક્કર નિર્ણય ઉપર નથી. બીજી તરફ બુધવારે અનેક પિટિશનો પૈકી LRD ભરતીના કેસમાં મુદ્દત પડતા કેબિનેટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી.

LRDની ભરતીમાં ઊંચુ મેરિટ હોવા છતાંયે નોકરી માટે અસ્વિકારના અન્યાય સામે આંદોલન કરી રહેલી મહિલા ઉમેદવારોને સરકાર તરફથી સંવાદ કે કોઈ હૈયાધારણા ન મળતા સત્યાગ્રહ છાવણીમાં વિવિધ સમાજના યુવાનો પણ સમર્થનમાં જોડાયા છે. ૪૩ દિવસથી આંદોલન કરી રહેલી SC, ST અને OBC વર્ગની પાંચ મહિલા અને પાંચ યુવકોએ ઉપવાસ શરૂ કર્યા છે. જ્યાં સુધી GADનો ૧લી ઓગસ્ટ ૨૦૧૮નો ઠરાવ રદ ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવા કલેક્ટરને આવેદન આપ્યુ હતુ. સત્યાગ્રહ છાવણીમાં ચાલી રહેલા આંદોલનની વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં ઠરાવના સમર્થન અને વિરોધમાં આવેદનપત્રો અપાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.