ગઢડામાં ઘેલો નદીમાં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય અસ્થિનું વિસર્જન, 500 પરમહંસોએ સ્નાન કરીને નદીને કરી મહાપ્રસાદીભૂત

ગઢડા (સ્વામિના)ના આંગણે બી. એ. પી. એસ. સંસ્થા દ્વારા વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ગઢડાની પવિત્ર ઘેલા નદીમાં બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજના અસ્થિઓનું મહંત સ્વામી મહારાજના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું. સાંજે મહોત્સવના વિશાળ સભા મંડપમાં સૌરાષ્ટ્રના સંતો – મહંતોનું સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે અનેક ગણમાન્ય ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન સ્વામિનારાયણ અને ૫૦૦ પરમહંસોએ હજારો વખત સ્નાન કરીને ગઢડાની ઘેલા નદીને મહાપ્રસાદીભૂત કરી છે. આ મહાન તીર્થમાં બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. જેના પ્રારંભમાં વૈદિક મહાપૂજા બાદ વિવેકસાગર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજનો મહિમા અને ગઢપુર સાથે જોડાયેલી તેઓની સ્મૃતિઓ વર્ણવી હતી.

ઉલ્લેખનીય છે કે આ પ્રસંગ માટે જ ૨૦૦ ઉપરાંત સંતો ભક્તોએ દિવસો સુધી ઘેલા નદીની સફઈ કરી હતી. ત્યાર બાદ સરકારની સહાયથી ઘેલા નદીના પુરુષોત્તમઘાટ, રમાધાટ આદી સ્થાનો નુતન સ્વચ્છ જળથી ભરી દેવામાં આવ્યા છે. નદીની વચોવચ મહંત સ્વામી મહારાજનું આસન તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બિરાજીને તેઓએ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય અસ્થિઓનું ઘેલા નદીમાં વિસર્જન કર્યું હતું. આ પ્રસંગથી મહાન તીર્થ ઘેલાનાં તીર્થત્વમાં ઉમેરો થયો છે .

વિશેષ તો આ પ્રસંગે મહંત સ્વામી મહારાજ સહિત સંતો – ભક્તોએ સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારીના શમન માટે ધૂન – પ્રાર્થના કરી હતી . સાંજે સ્વામિનારાયણ નગરમાં સૌરાષ્ટ્ર પંથકના પૂજનીય સંતો – મહંતોનું વિશાળ સંત સંમેલન યોજાયું હતું. જેમાં સંસ્થાના વરિષ્ઠ સંતોએ વિશિષ્ટ વ્યાખ્યાનો આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.