ભારત અને ચીન વચ્ચેના તણાવ મુદ્દે યોજવામાં આવેલી સર્વદળીય બેઠક બાદ પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર આક્ષેપો કરવાનું ચાલું રાખ્યું છે. એક તરફ રાહુલ ગાંધી દ્વારા વારંવાર આ મુદ્દે સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગૃહ મંત્રી અમિત શાહે ગાલવાન ઘાટીમાં અથડામણ દરમિયાન ઘાયલ થયેલા એક સૈનિકના પિતાનો વીડિયો રિટ્વિટ કર્યો છે.
ગૃહ મંત્રી અમિત શાહે વીડિયો રિટ્વિટ કરીને કહ્યું હતું કે, એક બહાદુર સૈનિકના પિતાનો રાહુલ ગાંધીને આપવામાં આવેલો સંદેશો સ્પષ્ટ છે. અમિત શાહે કહ્યું કે, એક સમયે જ્યારે આખો દેશ એકજૂથ છે ત્યારે રાહુલ ગાંધીએ આવા નિમ્ન કક્ષાના રાજકારણથી ઉપર ઉઠવું જોઈએ. રાહુલ ગાંધીએ પણ મજબૂતાઈપૂર્વક રાષ્ટ્રહિતનો સાથ આપવો જોઈએ. ઉલ્લેખનીય છે કે અમિત શાહે એક ઘાયલ સૈનિકના પિતાનો વીડિયો રિટ્વિટ કરેલો જેમાં બહાદુર સૈનિકના પિતા કહી રહ્યા છે કે, ‘ભારતીય સેના એક મજબૂત સેના છે.’
ઘાયલ સૈનિકના પિતાએ કહ્યું હતું કે, ‘ભારતની સેના ચીન શું કોઈ પણ દેશની સેનાને હરાવી શકે તેમ છે. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે આ મુદ્દે રાજકારણ ન રમે. મારો દીકરો સેનામાં લડ્યો છે અને સાજો થયા બાદ ફરીથી લડશે.’ ઉલ્લેખનીય છે કે ગાલવાન ઘાટી ખાતે બનેલી આ ઘટના બાદ આ મુદ્દાને લઈ સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે.
સર્વદળીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈ દેશની સરહદમાં નથી આવ્યું. ત્યારે રાહુલ ગાંધીએ વડાપ્રધાનના આ નિવેદન મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી હતી. રાહુલે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘વડાપ્રધાને ચીનની આક્રમકતા સામે પોતાની જમીન સરેન્ડર કરી દીધી છે. જો તે જમીન ચીનની હતી તો આપણા જવાનો ક્યાં અને શા માટે શહીદ થયા?’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.