ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને પૂર્વીય દિલ્હીના લોકસભાના સાંસદ એવા ગૌતમ ગંભીરે કોરોના વાઈરસની મહામારી સામે લડવા માટે સાંસદ તરીકેનો તેનો બે વર્ષનો પગાર વડાપ્રધાન કેર્સ ફંડમાં આપી દીધો છે. ગંભીરે તેના આ મોટા નિર્ણયની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી અને અન્યોને પણ આ પ્રકારે દેશની સેવા કરવા માટે આગળ આવવા અપીલ કરી હતી.
ગંભીરે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતુ કે, લોકો પુછતાં હોય છે કે દેશે તેમના માટે શું કર્યું છે. જોકે ખરો સવાલ એ છે કે, તમે દેશ માટે શું કર્યું ? મેં મારો બે વર્ષનો પગાર પીએમ કેર્સ ફંડમાં ડોનેટ કરી દીધો છે. તમારે પણ આ પ્રકારે દાન આપવા માટે આગળ આવવું જોઈએ. ગંભીર અગાઉ પણ કોરોના સામેની લડાઈ માટે દાન આપી ચૂક્યો છે.
અગાઉ ગંભીરે તેનો એક મહિનાનો પગાર તેમજ તેની સાંસદ નીધિમાંથી રૃપિયા ૧ કરોડ પણ કોરોના મહામારી સામે લડવા માટે દાન આપી દીધા હતા. ભારતીય ક્રિકેટરોએ પણ પોતપોતાની રીતે ફાળો આપ્યો છે. રોહિત શર્માએ સર્વાધિક ૮૦ લાખ રૃપિયા ડોનેટ કર્યા હતા. જ્યારે ગાંગુલી, તેંડુલકર, કોહલી, રૈના સહિતના ખેલાડીઓએ પણ ફાળો આપ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરે રૃપિયા ચાર લાખનું ડોનેશન આપ્યું હતુ. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલીસ્ટ શૂટર અપૂર્વી ચંદેલાએ પણ રૃપિયા પાંચ લાખ પીએમ કેર્સ ફંડમાં ડોનેટ કર્યા હતા. બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રૃપિયા ૧૦ લાખનું ડોનેશન આપ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.