ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી હોવાનું સામે આવતું હોય છે અને જેમાં મોટા ભાગના અકસ્માત હાઇવે પર જ સર્જાતા હોય છે. ત્યારે એકવાર ફરી ભાવનગરના વલ્લભીપુર નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમરેલીના આહીર પરિવાર પર કાળ મોત બનીને આવ્યો અને આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય એક વ્યક્તિને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આહીર પરિવાર કારમાં સુરતથી અમરેલી તરફ જઇ રહ્યો હતો.
અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા કારના ફુરચેફુરચા થઇ ગયા હતા અને આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. આ ઘટનાની જાણ થતા એમ્બ્યુસન્સ પણ તુરંત ઘટનાસ્થળે આવી ગઇ હતી અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
40 વર્ષીય જીલુભાઈ આહીર પોતાના પરિવાર સાથે કારમાં સવાર થઈ સુરતથી અમરેલી વતન તરફ જઈ રહ્યાં હતા અને આ કારમાં તેઓના પત્ની અને બે પુત્રો સવાર હતા. ત્યારે રાજકોટ હાઈવે પર કારની ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઇ હતી. આ અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને જેમાં પતિ, પત્ની અને 15 વર્ષના દીકરાનું મોત નિપજ્યું હતું. જ્યારે 17 વર્ષીય દીકરો શુભમ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આથી તેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે.
મૃતકોમાં જીલુભાઈ બાબલુભાઈ ભૂવા, ઉંમર 40 વર્ષ,ગીતાબેન જીલુભાઇ ભૂવા, ઉંમર 38 વર્ષ અને શિવમ જીલુભાઈ ભુવા,ઉંમર 15 વર્ષ અને ઇજાગ્રસ્તોમાં શુભમ સમતભાઇ ભૂવા, ઉંમર 17 વર્ષ નો સમાવેશ થાય છે.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને વલભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને જેમાં આટલો મોટો ગંભીર અકસ્માત આખરે કેવી રીતે સર્જાયો? કયા કારણોસર ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ? આ સાથે આહીર પરિવારના સ્વજનોને પણ આ અકસ્માત વિશે જાણ કરાતા હોસ્પિટલ પર મોટા ભાગના સગા-સંબંધીઓ પણ દોડી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.