Ganesh Chaturthi 2020 : ગણેશ પૂજામાં જરૂરી છે આ 7 વસ્તુઓ

રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશજી તમામ દેવતાઓમાં પ્રથમ પૂજનીય છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશજીની પૂજામાં કેટલીક વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થઇને તમારી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જીવન સાથે સંકળાયેલ તમામ અડચણને દૂર કરીને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. કેટલીક વસ્તુઓ વગર ગણપતિજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. જાણો, ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના પસંદની કઇ કઇ વસ્તુ ચઢાવવી જોઇએ જેથી બપ્પા પ્રસન્ન થઇને તમારી પર પોતાની કૃપા વરસાવે. ગણેશજીને પ્રસન્ન કરીને બળ, બુદ્ધિ, વિદ્યા, જ્ઞાન, ધન-સંપત્તો વગેરેના આશીર્વાદ મેળવો. 22 ઑગષ્ટના દિવસે ગણેશ ચતુર્થી મનાવવામાં આવશે.

1. અક્ષત 

ગણપતિ બાપાના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજામાં અક્ષત ચોક્કસથી ચઢાઓ. ગણપતિ પૂજનમાં અક્ષત એટલે કે ચોખા અત્યંત મહત્ત્વ છે. પરંતુ ધ્યાન રહે કે અક્ષત ખંડિત ન થાય. ગણપતિ બપ્પાને અક્ષત ચઢાવતા પહેલા તેને પાણીમાં ધોઇ નાંખો અને તેને ‘ઇદં અક્ષતમ્ ૐ ગં ગણપતયે નમ:’ મંત્ર બોલતા ચઢાઓ. ભૂલથી પણ સુકા ચોખા ન ચઢાવશો.

2. સિંદૂર 

શ્રી ગણેશજીની પૂજામાં સિંદૂર ચઢાઓ. સિંદૂરને શુભ માનવામાં આવે છે. તેના ઉપયોગથી ઘરમાં કોઇ પણ પ્રકારની ખરાબ આત્મા અથવા નકારાત્મક ઊર્જા પ્રવેશ કરશે નહીં. આ જ સિંદૂર જ્યારે વિઘ્નવિનાશક ગણપતિજીને અર્પણ કરવામાં આવે ત્યારે અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે.

3. દૂર્વા 

ગણપતિ બપ્પા એવા દેવતા છે જે માત્ર દૂર્વા ચઢાવવાથી જ પ્રસન્ન થઇ જાય છે. શ્રી ગણેશજીને ચઢાવવામાં આવતી દૂર્વાનો હંમેશા ઉપરનો ભાગ લેવો જોઇએ. બપ્પાને પૂજામાં દૂર્વાની એકવીસ ગાંઠ અર્પણ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.

4. ગલગોટાના ફૂલ

ગણપતિ મહોત્સવ પ્રારંભ થતા જ દેશ દુનિયામાં ગણેશજીનો અલગ-અલગ વસ્તુઓથી ભવ્ય શણગાર કરવામાં આવે છે. શ્રી ગણેશજીને શ્રૃંગાર માટે તમે કોઇ પણ ફૂલનો ઉપયોગ કરી શકો છો પરંતુ પૂજામાં ગણપતિ બપ્પાને સૌથી પ્રિય ગલગોટાના ફૂલ અથવા તેમાંથી બનાવેલી માળા ચઢાઓ.

5. મોદક

ગણપતિ બપ્પાની પૂજામાં પ્રસાદમાં તમામ પ્રકારના મિષ્ટાન ચઢાવવામાં આવે છે પરંતુ શ્રી ગણેશજીની પૂજા મોદક વગર અધૂરી માનવામાં આવે છે. મોદકનો પ્રસાદ ચઢાવવા પર ગણપતિ બપ્પા પોતાના ભક્તો પર પ્રસન્ન થઇને તેના જીવનમાં મિઠાસ જ મિઠાસ ભરી દે છે. આ કોરોના કાળમાં જ નહીં પરંતુ હંમેશા ગણપતિ બપ્પાને મોદક જાતે બનાવીને ચઢાઓ. મોદક ઉપલબ્ધ ન હોય તો તમે ગણપતિ બપ્પાને બૂંદીના લાડુનો ભોગ ચઢાવી શકો છો.

6. કેળા 

કોઇ પણ પૂજા ફળ વગર અધૂરી માનવામાં આવે છે. જો તમે ગણેશજી પાસેથી ફળ પ્રાપ્ત કરવા માંગો છો તો તેમની પૂજામાં કેળા રાખવાનું ચુકશો નહીં. ગણપતિ બપ્પાને ફળોમાં કેળા વધુ પસંદ છે. તેને ચઢાવવા પર ગણેશજી પ્રસન્ન થઇને તમારી પર કૃપા વરસાવશે.

7. શંખ

સનાતન પરંપરામાં થતી દરેક પૂજામાં શંખનો ઉપયોગ ચોક્કસ પણે કરવામાં આવે છે. ગણપતિ બપ્પાને શંખ ખૂબ પ્રિય છે. આ જ કારણ છે કે તેમના એક હાથમાં શંખ પણ ધારણ કરવામાં આવે છે. એવામાં ભગવાન ગણેશની પૂજામાં પૂરી શ્રદ્ધાભાવથી શંખનો ઉપયોગ કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.