વડોદરાનાં પાદરામાં બુધવારનાં રોજ ગોઝારી ઘટનાં બનવા પામી હતી. જેમાં વિધ્નહર્તા ગણેશજીનો પંડાલ બાંધતા 15 યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી એક યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતું ગણેશોત્સવ પહેલા જ ગોઝારો બનાવ બન્યો હતો.જેમાં પાદરા તાલુકાનાં ડબકા ગામે વેરાઈ માતાનાં મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવકનું ઘટનાં સ્થળે મોત નિપજતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
છ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
પાદરા તાલુકાનાં ડબકા ગામે ગણેશ પંડાલ બાંધતી વખતે ગોઝારી ઘટના બનવા પામી હતી. જેમાં 14 યુવકો સારવાર હેઠળ છે. જ્યારે એક યુવક પ્રકાશ ઉર્ફે સચિન જાદવનું મોત નિપજતા છ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્યારે યુવકનાં મોત અંગેનાં સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી.
ઘટનાં કેવી રીતે બની
મળતી માહિતી મુજબ ડબકા ગામે છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર આ વર્ષે યુવક મંડળ દ્વારા 12 ફૂટની શ્રીજીની સ્થાપના માટે 15 ફૂટ ઊંચો પંડાલ બનાવી રહ્યા હતા. ત્યારે રાત્રી સમયે પંડાલ બનાવતી વખતે પંડાલનો પોલ 11 કેવી વીજ લાઈનને અડી જતા પંડાલ બનાવવાનું કામ કરી રહેલ 15 યુવકોને કરંટ લાગતા દોડાદોડ થઈ જવા પામી હતી. જે બાદ તાત્કાલીક તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે 14 યુવકો સારવાર હેઠળ છે.
સાદગી પૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરાશે
ગોઝારી ઘટના બાદ ગણેશ મંડળનાં મહેશભાઈ જાદવે જણાવ્યું હતું કે, વડોદરા ખાતે શ્રીજીની મૂર્તિ પણ બુક કરાવી દેવામાં આવી છે. અને શુક્રવારે મૂર્તિ લેવા પણ જવાનાં હતા. પરંતું મોડી રાત્રે બનેલ દુર્ઘટનાને લઈ સમગ્ર ગામમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. જેથી મંડળ દ્વારા હવે માત્રો સોપારીની સ્થાપના કરી ગણેશોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.