ગાંધીનગર: ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે ડુંગળીનો પાક ધોવાઇ જતા ગરીબોની કસ્તુરી ડુંગળી હાલમાં બજારમાં રૂપિયા 100ના કિલોના ભાવે વેચાઇ રહી છે. જ્યારે ડુંગળીની સરખામણીએ સફરજન બજારમાં પ્રતિ કિલો રૂપિયા 80ના ભાવે વેચાઇ રહ્યા છે. આસમાને જતા ડુંગળીના ભાવને પગલે ગરીબોની થાળીમાંથી ડુંગળી સરકી રહી છે.
ઓગસ્ટના છેલ્લા વીકમાં શરૂ થયેલો વરસાદ નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી વરસતા ખેતરો પાણીથી ભરાઇ જવાથી ડુંગળીનો પાક ધોવાઇ ગયો હતો. ભારે વરસાદે ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને કાઠિયાવાઠમાં ડુંગળીના પાકને ધોઇ નાંખ્યો છે. જેને પરિણામે નાસિક, પુના, મહુવા, ગોંડલ, ભાવનગર, હુબલીની ડુંગળીની આવક ઘટી જવા પામી છે. આથી જે ડુંગળી સમયસર બજારમાં આવવી જોઇએ તે ડુંગળી બે મહિના મોડી પડી છે. જેને પરિણામે બજારમાં ડુંગળીની અછત સર્જાતા ભાવ રોકેટ ગતિએ આસમાને પહોંચી ગયો છે. ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ સફરજનથી પણ વધી જતા ગરીબોના ભોજનમાં ડુંગળી દેખાતી બંધ થઇ છે. વર્ષ-2013માં દલાલોએ મલાઇ ખાવા માટે ડુંગળીને ગોડાઉનમાં ભરી દઇને બજારમાં કુત્રીમ અછત ઉભી કરી હતી. જેને પરિણામે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 100 થી 120 પર પહોંચી ગયો હતો.જિલ્લામાં ડુંગળીનું વેચાણ કરતા નાના મોટા 200 જેટલા વેપારી છે. જે દરરોજ 800થી 1000 કટ્ટા ડુંગળીનું વેચાણ કરે છે. એક કટ્ટામાં 50 કિલો લેખે 40,000 કિલો ડુંગળીનું વેચાણ થતું હોવાનું વેપારી રોનકભાઇએ જણાવ્યું છે.
ડુંગળીના વેચાણમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયમાં ડુંગળીનું પ્રતિ કિલો રૂપિયા 20થી 40ના ભાવે વેચાણ થતું હોવાનું છેલ્લા અઢી દાયકાથી ડુંગળીનું વેચાણ કરતા બકુલભાઇએ જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.