ગર્ભવતી હાથણીના મૃત્યુ મામલે એક વ્યક્તિની ધરપકડ, બાકીના પણ ઝડપાઈ જશેઃ વન મંત્રી

ભાજપના સાંસદ અને મંત્રી બાબુલ સુપ્રિયોએ કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી પાસે હાથણીના મૃત્યુ અંગે જવાબ માંગ્યો

 

કેરળમાં ગર્ભવતી હાથણીની વિસ્ફોટક ભરેલું અનાનસ ખવડાવીને કરાયેલી હત્યા મામલે દેશભરમાં રોષની લાગણી પ્રવર્તી છે. ગર્ભવતી હાથણીની હત્યા મામલે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. વન મંત્રી કે રાજુએ આ હત્યામાં અન્ય અનેક લોકો સામેલ હતા અને તે તમામની ધરપકડ કરાશે તેવી ખાતરી આપી છે. પોલીસ અને વન વિભાગ આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યું છે.

કેસની વિગતો પ્રમાણે એક ગર્ભવતી હાથણી કેરળના મલ્લાપુરમ જિલ્લા ખાતે આવેલા એક ગામમાં પહોંચી ગઈ હતી. તે હાથણીને ખાવા માટે ફટાકડા ભરેલું અનાનસ આપી દેવામાં આવ્યું હતું જેથી વિસ્ફોટકની બળતરા ઓછી કરવા તે વેલિયાર નદીમાં ઉતરી ગઈ હતી. ત્રણ દિવસ સુધી તે પાણીમાં મોઢું રાખીને ઉભી રહી હતી પરંતુ વિસ્ફોટકોની બળતરા એટલી તીવ્ર હતી કે હાથણી અને તેના ગર્ભમાં રહેલા બચ્ચાનું મોત થયું હતું.

એક નિર્દોષ પ્રાણીની હત્યા મામલે દેશભરમાં અફસોસ અને પીડાની લાગણી પ્રવર્તી છે. પ્રાણીઓ માટે કામ કરતા ભાજપના સાંસદ મેનકા ગાંધીએ ખાનગી લોકો પાસે હાથી શા માટે હોય છે તેવો સવાલ પણ કર્યો હતો. અનેક વખત વિવિધ કારણોસર થતા હાથીઓના મોતને લઈ સવાલ જાગતા હતા જેને દબાવી દેવામાં આવતા હતા પરંતુ આ વખતે તે સવાલ ખૂબ જ ચર્ચિત બન્યો છે.

એક અહેવાલ પ્રમાણે પાલતુ હાથીઓની સંખ્યા માત્ર 507 બચી છે જેમાં 410 નર અને 97 માદા છે. 2017ના વર્ષમાં 17 હાથીઓના મોત થયેલા જ્યારે 2018માં 34 અને 2019માં 14 હાથીઓના મોત થયેલા. પહેલા હાથીઓ માટે સંવેદનાના શબ્દો નીકળ્યા હતા પરંતુ હવે તેના પર રાજકારણ શરૂ થઈ ગયું છે.

ભાજપના સાંસદ અને મંત્રી બાબુલ સુપ્રિયોએ કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી પાસે હાથણીના મૃત્યુ અંગે જવાબ માંગ્યો હતો. આ સવાલ કેરળથી હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.