ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ BCCIએ આ હારની સમીક્ષા કરી હતી અને હવે જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં હારી જશે, તો ગૌતમ ગંભીરને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ પદ પરથી હટાવી શકાય છે.
ગૌતમ ગંભીરનું કોચિંગ કરિયર હમણાં જ શરૂ થયું છે, પરંતુ તેની શરૂઆત સારી રહી નથી. શ્રીલંકામાં વનડે સીરિઝ હાર્યા બાદ અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં ઘરઆંગણે ક્લીન સ્વીપ મેળવ્યા બાદ હવે તમામની નજર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર છે. BCCIના ટોચના અધિકારીઓ ટીમના ખરાબ પ્રદર્શન પર સવાલો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ ગંભીર માટે ઘણી મહત્વની રહેશે.
ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે હાર્યા બાદ એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે BCCIએ આ હારની સમીક્ષા કરી છે. આ મીટિંગમાં કેપ્ટન રોહિત શર્મા, અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે BCCI સચિવ જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા.
રિપોર્ટ અનુસાર જો આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા ખરાબ રીતે હારી જાય છે તો ગૌતમ ગંભીરને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ પદ પરથી હટાવી શકાય છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થવાની છે. જો ભારતીય ટીમ આ સીરિઝમાં સારું પ્રદર્શન નહીં કરે તો ગંભીરના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
એવું કહેવાય રહ્યું છે કે ગંભીર અને ભારતીય ટીમની વિચારસરણી અને કેટલાક નિર્ણયોને લઈને થોડા મતભેદ છે. આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને ધ્યાનમાં રાખીને આવા તફાવતો ટીમ માટે સારા સંકેત નથી. એવામાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ગંભીરે પોતાની રણનીતિ અને ટીમ સિલેક્શનમાં ખૂબ જ સાવધાની રાખવી પડશે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ગૌતમ ગંભીર પાસેથી ટેસ્ટ ટીમની જવાબદારી છીનવી લેવામાં આવે છે તો તેના સ્થાને NCA ચીફ વીવીએસ લક્ષ્મણને આ જવાબદારી આપવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.