આરબીઆઇએ 2021-22નો જીડીપી અંદાજ એક ટકા ઘટાડી 9.5 ટકા કર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પોતાના અગાઉના જીડીપી અંદાજમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. આરબીઆઇના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 9.5 ટકાનો રહેવાનો અંદાજ છે.

અગાઉ આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 10.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. કોરોનાના બીજી લહેરને કારણે લાગુ કરાયેલા મિની લોકડાઉનને પગલે અર્થતંત્રને થયેલા નુકસાનને પગલે જીડીપીના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસે વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે અર્થતંત્ર પર પ્રથમ લહેરની જે પ્રતિકૂળ અસર થઇ હતી તેટલી પ્રતિકૂળ અસર બીજી લહેરની જોવા મળશે.

જીડીપી 9.5 ટકા રહેવાનો અંદાજ;

દાસના જણાવ્યા અનુસાર વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 9.5 ટકા રહેવાનો અંદાજ છે. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ કવાર્ટરમાં જીડીપી 18.5 ટકા, બીજા કવાર્ટરમાં 7.9 ટકા, ત્રીજા કવાર્ટરમાં 7.2 ટકા અને ચોથા કવાર્ટરમાં 6.6 ટકા રહેવાનો અંદાજ છે.કોરોના મહામારીને કારણે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી માઇનસ 7.3 ટકા રહ્યો છે. આરબીઆઇએ સિડબી સહિતની ઓલ ઇન્ડિયા ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટટૂટને નાણાકીય વર્ષ 2021-22માં 50,000 કરોડ રૂપિયાની સહાય કરવાની પણ જાહેરાત કરી છે.

આ ઉપરાંત આરબીઆઇએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ચોમાસાની સારી પ્રગતિ અને સરકાર દ્વારા આવશ્યક વસ્તુઓના પુરવઠા માટે લેવામાં આવેલા પગલાઓને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો 5.1 ટકા રહેવાનો અંદાજ છે. જો કે આરબીઆઇઅ જણાવ્યું છે કે વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવ વધશે તો ફુગાવો નક્કી કરાયેલા અંદાજથી વધી શકે છે. આરબીઆઇએ વ્યાજ દર અંગેની આજની બેઠકમાં વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી.

https://www.youtube.com/watch?v=Zoeo2xEO-vU

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.