ગેહલોતના કોન્ફિડન્સ પાછળ વસુંધરા ફેક્ટર..? રાજસ્થાન સંકટ મામલે મહારાણીનું મૌન

અશોક ગેહલોત અને વસુંધરા રાજે વચ્ચે સારી રાજકીય કેમિસ્ટ્રી હોવાનો રાજસ્થાનના વરિષ્ઠ પત્રકાર શ્યામ સુંદર શર્માનો દાવો

 

રાજસ્થાન કોંગ્રેસ સરકારમાં જે રાજકીય તોફાન સર્જાયું છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યું. સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે સમાધાનની કોઈ જ શક્યતા નથી રહી અને લડાઈ આરપારની બની ગઈ છે. આ તરફ કોંગ્રેસના ચેક-મેટના ખેલમાં ભાજપના કદાવર નેતા વસુંધરા રાજેએ મૌન ધારણ કરેલું છે. બગાવત કરનારા સચિન પાયલટે પોતાને 30 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. જો કે તેમ છતા અશોક ગેહલોત પોતાની સરકાર બચાવવા વધારે ચિંતિત નથી જણાઈ રહ્યા. આ સંજોગોમાં એવો સવાલ જરૂર થઈ રહ્યો છે કે અશોક ગેહલોતના કોન્ફિડન્સ પાછળ વસુંધરા રાજેના મૌનનું ફેક્ટર તો ક્યાંક કામ નથી કરી રહ્યું ને?

ભાજપમાં જોડાવાનીઅટકળો વચ્ચે સચિન પાયલટે રવિવારે 30 ધારાસભ્યો પોતાના પાસે હોવાનો અને ગેહલોત સરકાર લઘુમતીમાં આવી હોવાનો દાવો કર્યો હતો. જો કે કોંગ્રેસે એવી સ્પષ્ટતા કરી હતી કે ગેહલોત સરકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પોતાનો કાર્યકાળ ચોક્કસથી પૂર્ણ કરશે. આટલું જ નહીં, રાજસ્થાનમાં પાયલટની બગાવતને રોકવા મુખ્યમંત્રી અશોક ગેહલોતે વ્હિપ જાહેર કરવાનું બ્રહ્માસ્ત્ર પણ છોડ્યું છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કરેલા દાવા પ્રમાણે તેમના પાસે 109 ધારાસભ્યોનું સમર્થન પત્ર છે.

રાજસ્થાનમાં બદલાયેલા રાજકીય વાતાવરણ વચ્ચે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત અને રાજ્યસભાના સદસ્ય ઓમ માથુર ખુલીને કોંગ્રેસી નેતા સચિન પાયલટ સાથે ઉભેલા જોઈ શકાય છે. આ તરફ રાજસ્થાનમાં ભાજપના કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે છેલ્લા બે દિવસથી સાઈલન્ટ મોડમાં આવી ગયા છે. સચિન પાયલટ ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે વસુંધરા રાજેના મૌનને લઈ સવાલો થઈ રહ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ શનિવારે અને રવિવારે માત્ર બે જ ટ્વિટ કર્યા હતા જે રાજકારણને લગતા નહોતા. ધારાસભ્યોના ખરીદ-વેચાણ મામલે એસઓજીની એફઆઈઆર અને મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાજપ પર આકરા પ્રહારોને લઈ આખો દિવસ વસુંધરા રાજેના જવાબની રાહ જોવાઈ પરંતુ બે દિવસ વીતી ગયા છતા તેમની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. સોમવારે તેમણે ધૌલપુર ખાતેથી સચિન પાયલટના પક્ષમાં એક નિવેદન આપ્યું હતું અને અશોક ગેહલોત પાયલટ સાથે ખરાબ વ્યવહાર કરતા હતા, તેના સાથે અન્યાય થયો તેમ કહ્યું હતું.

જો કે ભાજપના અન્ય નેતાઓની જેમ વસુંધરા રાજે કોઈ દખલઅંદાજી કરતા નથી જણાઈ રહ્યા. રાજકીય પંડિતોનું માનીએ તો તેના પાછળ એક રાજકીય ગણિત છુપાયેલું છે. રાજસ્થાનના વરિષ્ઠ પત્રકાર શ્યામ સુંદર શર્માના કહેવા પ્રમાણે અશોક

અશોક ગેહલોત અને વસુંધરા રાજે વચ્ચે સારી રાજકીય કેમિસ્ટ્રી છે. કોંગ્રેસની સરકાર બન્યા બાદ ગેહલોતે કદી વસુંધરા રાજે વિરૂદ્ધ કોઈ નિવેદન નથી આપ્યું કે કોઈ ટીકા ટિપ્પણી નથી કરેલી. એટલું જ નહીં, વસુંધરા રાજે પણ ગેહલોત સરકારના વિરોધમાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન રસ્તાઓ પર નથી ઉતરી શક્યા.

શ્યામ સુંદર શર્માએ જણાવ્યું કે, ગેહલોત સત્તામાં આવ્યા ત્યાર બાદ વસુંધરા રાજેના સમયમાં મુખ્ય સચિવ બનેલા ડીબી ગુપ્તાને પદ પરથી દૂર નહોતા કરાયા. સચિન પાયલટે આ મામલે કોંગ્રેસના ટોચના નેતૃત્વને ફરિયાદ કરી તો ગેહલોતે તેમને મુખ્ય સચિવ પદેથી હટાવીને રાજકીય સલાહકાર તરીકે નિયુક્ત કરી દીધા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.