CDS બિપિન રાવતના અકાળે મૃત્યુને કારણે આખો દેશ હચમચી ગયો છે. બુધવારે કુન્નુરમાં નિલગિરિનાં જંગલોમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં મોત થયાં છે. દુર્ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હેલિકોપ્ટરના કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. એમાંથી એક બિપિન રાવત પણ હતા. ઘટના સમયે ત્યાં હાજર ગ્રામણી એક વ્યક્તિએ કહ્યું હતું કે પ્લેન ક્રેશ પછી પણ બિપિન રાવત જીવતા હતા. તેમણે ખૂબ ધીમા અવાજે હિન્દીમાં વાત કરી હતી અને તેમણે પાણી પણ માગ્યું હતું.
સાક્ષી શિવકુમારે વાત કરતાં જણાવ્યું હતું કે તે કોન્ટ્રેક્ટર છે. ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યારે તે અને તેનો ભાઈ સાથે હતા, ચાના બગીચામાં કામ કરતા હતા. તેમણે હેલિકોપ્ટર ક્રેશ થતાં જોયું હતું. શિવકુમારે કહ્યું આગળ કહ્યું, પ્લેન ક્રેશ થઈને સળગવા લાગ્યું ત્યારે એમાંથી ત્રણ લોકો કૂદીને નીચે પડ્યા હતા, પરંતુ તે લોકો પણ સળગી રહ્યા હતા. હેલિકોપ્ટર ક્રેશ થઈને નીચે પડતાં તે અને તેનો ભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 9 મૃતદેહ હેલિકોપ્ટરના કાટમાળમાં દટાયેલા હતા, જ્યારે ત્રણ લોકો થોડા દૂરના અંતરે જઈને પડ્યા હતા.
અફસોસ છે દેશ માટે આટલું કરનારને છેલ્લે પાણી પણ ના પાઈ શક્યો
શિવકુમારે કહ્યું હતું કે કુલ 14માંથી 2 લોકો જીવતા હતા, તેમાંથી એક વ્યક્તિ પાણી માગતી હતી. અમે આસપાસનાં ઘરોમાંથી ચાદર લાવીને એમાં તેમને સુવાડ્યા અને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરતા હતા, પરંતુ એ દરમિયાન જ તેમાંથી એક વ્યક્તિનું નિધન થઈ ગયું. ઘટનાના ત્રણ કલાક પછી મને કોઈકે કહ્યું હતું કે તમારી પાસે જે પાણી માગતા હતા તે જનરલ બિપિન રાવત હતા. તેમણે મને CDSની તસવીર પણ બતાવી. મને વિશ્વાસ ના થયો કે આ વ્યક્તિએ દેશ માટે કેટલું કર્યું છે અને છેલ્લી ઘડીએ તેમને પાણી પણ ના મળ્યું. આ ઘટના જોયા પછી હું ગઈકાલે આખી રાત ઊંઘી જ નથી શક્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.