કેન્દ્ર સરકાર દ્વારા વાહનો માટેની સ્ક્રેપ પોલિસી બાદ વાહન ફિટનેસ સર્ટિફિકેટ ફરજીયાત બનાવવાના આદેશ પછી ગુજરાત સરકારે રાજ્યમાં 100થી વધુ ફિટનેસ સેન્ટરો સ્થાપવાની વિચારણા શરૂ કરી છે. અને હાલ વાહનચાલકોને સરકારી કચેરીમાંથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડે છે.
રાજ્યના વાહનચાલકોને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે અત્યારે આરટીઓ કચેરીમાં જવું પડે છે પરંતુ વાહનોની કતારમાં ખૂબ સમય વ્યતિત થાય છે અને આરટીઓ કચેરીમાં ભીડને ધ્યાનમાં રાખી પ્રાઇવેટ ફિટનેસ સેન્ટરો સ્થાપવા માટે સરકારે નિર્ણય કર્યો છે. વાહન વ્યવહાર વિભાગના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં 100થી વધુ ફિટનેસ સેન્ટરો માટે મંજૂરી આપવામાં આવશે.
ખાનગી પાર્ટીઓને પણ ફિટનેસ સેન્ટર સ્થાપવા માટેની પરવાનગી આપવાની દરખાસ્ત વાહન વ્યવહાર વિભાગે રાજ્ય સરકાર સમક્ષ કરી છે.અને જો આ દરખાસ્તને રાજ્ય સરકારની મંજૂરી મળી જશે તો રાજ્યના પ્રત્યેક જિલ્લા અને શહેરમાં ખાનગી ફિટનેસ સેન્ટર સ્થપાય તેવી શક્યતા છે.
જો કે તમામ વાહનોએ લેવું ફરજિયાત નથી. ટ્રાન્સપોર્ટ વ્હિકલને આઠ વર્ષથી ઓછો સમય થયો હોય તો તેને બે વર્ષનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વ્હિકલને 15 વર્ષ થયા હોય તો પાંચ વર્ષનું ફિટનેસ સિર્ટીફીકેટ આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસીને ધ્યાનમાં રાખીને ફિટનેસ સેન્ટરોની સંખ્યા વધારવી પડે તેમ હોવાથી વાહન વ્યવહાર વિભાગે ફિટનેસ સેન્ટર વધારવાની પ્રક્રિયા હાથ ધરી છે. આરટીઓ કચેરીમાંથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં વાહનચાલકને ખૂબ મુશ્કેલી પડે છે પરંતુ ખાનગી સેન્ટરમાં મોટા ભયસ્થાનો છે તેથી ચોક્કસ નિયમો બનાવીને ફિટનેસ સેન્ટરની માન્યતા આપવામાં આવે તેવી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.