કોવિડ-19 સામે વેક્સિનેશન, નાગરિકોમાં વ્યાપક પ્રમાણમાં એન્ટિબોડી ડેવલપ થવા તેમજ થર્ડ વેવમાં વાઈરસની ઘાતકતા ઘટતા ગુજરાત સરકાર આસ્તે આસ્તે માસ્કને ફરજીયાતથી મરજીયાત તરફ લઈ જવા આગળ વધી રહી છે. આ મુદ્દે આગામી ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ શકે છે તેવા સંકેતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે. બીજીતરફ ગૃહ વિભાગના છેલ્લા જાહેરનામાની મુદ્દત 11 ફેબ્રુઆરીને શુક્રવારે પૂર્ણ થાય છે.અને તે પહેલા ગુરુવારે આઠ મહાનગરો સહિત 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં ઘટાડો થશે એમ મનાય છે.
ગુજરાતમાં પોણા બે વર્ષથી માસ્ક ફરજીયાત છે. નિયમનો ભંગ કરનાર સામે એક હજારનો દંડ વસૂલવા હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો. આ વિષયે હાઈકોર્ટ સમક્ષ ફરીથી ફેરવિચારણા અરજી કરવાનો મૂડ સરકારે બનાવ્યો છે. અને વિશ્વના અનેક દેશોમાં જ્યાં ચેપનું પ્રમાણ નહિવત છે, નાગરિકો વેક્સિનેટેડ છે અને મોટાપાયે હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે ત્યાં માસ્કને મરજીયાત કરાયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં અનઔપચારિક રીતે ”નાગરિકો હવે માસ્કથી કંટાળ્યા છે, એ જોવું જોઈએ. જેમ આ મહામારીમાંથી સૌ બહાર નીકળ્યા એમ માસ્કમાંથી પણ નિકળીશુ” એમ કહીને આ મુદ્દે હકારાત્મ સંકેતો આપ્યા હતા. આથી ગરમી વધે તે પહેલા ગુજરાતમાં તબક્કાવાર માસ્ક પહેરવુ મરજીયાત થઈ શકે છે.
ગુરુવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી બેઠકમાં રાત્રિ કરફ્યૂનો સમય 11 કે 12થી સવારના 6 વાગ્યા સુધીનો થઈ શકે છે અને રાત્રિ કરફ્યૂની સમયાવધિ ઘટતા શહેરોમાં સિનેમા, મોલ્સ, હોટેલ- રેસ્ટોરેન્ટ સહિતની વેપારી- મનોરંજનની ગતિવિધી મોડી રાત સુધી થઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.